રાજકોટ: રાજયમાં ચોરીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ હવે તો ચોર ઘરના થઇ ગયા છે. એટલે કે હવે તો લોકો જે જગ્યા પર કામ કરી રહ્યા છે ત્યાં જ ચોરી કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટના પેલેસ રોડ ઉપર આવેલા રાજશ્રૃંગી કોમ્પલેક્ષમાં સોનાની દુકાનમાંથી 300 ગ્રામથી વધુનું સોનું અને રોકડ રકમ ચોરી થયાની ઘટના રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે મામલે રાજકોટ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સામે આવ્યું છે કે બે મહિના અગાઉ જે શખ્સને આ સોની વેપારીએ પોતાની દુકાનમાં કામે રાખ્યો હતો. તેને જ દુકાનમાં રહેલા સોના અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી. પોલીસે આરોપીને પકડીને તેની પાસે રહેલો ચોરીનો માલ કબજે કરી હાલ ઇસમની વધુ પૂછપરછ શરૂ કરી છે.
દુકાનમાં કરી ચોરી: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના સોની બજારમાં આવેલા રાજશૃંગી કોમ્પલેક્ષમાં સોના ચાંદીની દુકાનમાંથી અંદાજિત 388 ગ્રામ જેટલું સોનું અને રોકડ રૂપિયા ચોરવામાં આવ્યા હતા. આ મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસ પથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે આ જ દુકાનમાં કામ કરતા એવા શેખ નાસીરુદ્દીન સાઈદુલ ઇસ્લામ નામના શખ્સની ધરપકડ કરી છે. તેમજ પોલીસે તેની પાસેથી 388 ગ્રામ સોનું અને 41 હજાર રોકડા રૂપિયા પણ ચોરીના કબજે કર્યા છે. હાલ આ ઈસમની ધરપકડ કરીને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો Rajkot BJP : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ રાજીનામા આપતા પ્રદેશ પ્રમુખે આભાર માન્યો
ફરિયાદ નોંધાવી: આ સમગ્ર મામલે રાજકોટ એસીપી ભાર્ગવ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે' રાજકોટના પેલેસ રોડ ઉપર રાજશૃંગી કોમ્પલેક્ષમાં આવેલી સોની વેપારીની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. જે મામલે રાજકોટ એડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે સામે આવ્યું હતું કે આજ સોની વેપારીની દુકાનમાં છેલ્લા બે મહિનાથી કામ કરતા ઈસમ દ્વારા આ પ્રકારની ચોરી કરવામાં આવી છે. પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી હતી.
બારીમાંથી દુકાનમાં પ્રવેશ: એસીપી ભાર્ગવ વધુમાં જણાવ્યું હતું કે' જ્યારે આ દુકાનની જગ્યા જોઈને એવું લાગતું હતું કે કોઈ જાણ ભેદુ જ અહીંયા ચોરી કરી શકે. તેના આધારે પોલીસે અહીંયા કામ કરતા તમામ લોકોને પૂછપરછ કરી હતી. જે દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું. આ ઈસમે એપાર્ટમેન્ટના અગાસી ઉપરથી દોરડું નીચે નાખીને ત્યારબાદ બારીમાંથી દુકાનમાં પ્રવેશ કરીને ચોરી કર્યાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.