રાજકોટ : રાજકોટમાં એક અઠવાડિયા પહેલા શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી ગુજરાત મોબાઈલ નામની મોબાઇલ શોપમાં રાત્રી દરમિયાન બ્લાસ્ટ થયો હતો અને મોબાઈલની દુકાનમાં આગ લાગી હતી. જેના કારણે દુકાનમાં રહેલો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે આ મામલે દુકાનદારને શંકા જતા તેને પોલીસને ફરિયાદ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે મોબાઈલના ધંધામાં હરીફાઈ માટે એક મહિલા તેમજ સાળો બનેવી એમ કુલ ત્રણ ઈસમોએ ભેગા મળીને આ મોબાઇલની દુકાનમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કર્યો હતો.
કુલ ત્રણ આરોપીઓની ધરપકડ : ગુંદાવાડીની ગુજરાત મોબાઇલ નામની દુકાનમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ કરતાં એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધંધાકીય હરીફાઈમાં દુકાનને બોમ્બથી ઉડાવી દેવાયાની આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના ગુંદાવાડી વિસ્તારમાં ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Rajkot Mobileshop Blast: ધંધાકિય હરીફાઈમાં મોબાઇલની દુકાનમાં દેશી બોમ્બ મુકાવી કરાયો બ્લાસ્ટ
યુટ્યૂબ પરથી બોમ્બ બનાવવાનું શીખ્યો : આ ગુનાનો મુખ્ય આરોપી એવો કલારામ ચૌધરી મોબાઈલ રીપેર કરવાનું કામ સારી રીતે જાણે છે. તેમ જ યુટ્યૂબનો ભરપૂર ઉપયોગ કરતો હોય ત્યારે બોમ્બ બનાવવાની ટ્રિક તેને પણ યુટ્યૂબ ઉપરથી મેળવી હતી. ત્યારબાદ આ બોમ્બ એક રમકડામાં ફીટ કર્યો હતો અને ટાઈમ સેટ કર્યો હતો. જે બાદ ડોલી પઢીયાર નામની યુવતીની મદદથી આ બોમ્બને ગુજરાત મોબાઈલ દુકાનમાં રાખવામાં આવ્યો હતો. દુકાનમાં બ્લાસ્ટ થયો તે સમયના સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે દુકાનમાં એક મહિલા બેગ મૂકીને જતી રહે છે. ત્યારબાદ રાત્રીના સમયે તેમાં આ ટાઈમ બોમ્બ બ્લાસ્ટ થાય છે. જેમાં દુકાનમાં રહેલો તમામ માલ સળગી ઊઠે છે. સમગ્ર ઘટનામાં પોલીસે કલારામ ચૌધરી શ્રવણ ચૌધરી અને ડોલી પઢીયાર નામની મહિલાની ધરપકડ કરી છે.
અગાઉ બે વાર બોમ્બ બનાવ્યો પણ નિષ્ફળતા મળી : આ મામલે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું ગત તારીખ 7ના રોજ ગુંદાવાડી વિસ્તારમાં આવેલી ગુજરાત મોબાઇલની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોટસર્કિટ અથવા બેટરીના કારણે લાગી હોય તેવું જાણવા મળ્યું હતું. જ્યારે એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ કરતા તેમાં પણ આવી જ વિગતો સામે આવી હતી. જો કે આ મામલે પોલીસે વધુ તપાસ કરતા દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં જોવા મળ્યું કે એક મોઢે દુપટ્ટો બાંધેલી યુવતી અહીંયા બેગ મૂકીને જતી રહે છે. ત્યારે આ યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આ યુવતી અને તેની સાથે રહેલા બે ઈસોમોને પકડી પાડવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
દુકાન ભાડે રાખવા મામલે ચાલતો હતો વિવાદ : એસીપી ભરત બસીયાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પોલીસની તપાસમાં આ ગુનાનું કારણ સામે આવ્યું છે કે કલારામ ચૌધરી અને શ્રવણ ચૌધરી બંને સાળો બનેવી છે અને ઢેબર ચોક ઉપર તેઓ પટેલ મોબાઇલ નામની દુકાન ધરાવે છે. જે ભાડાની દુકાન છે. જ્યારે આ ગુનાના ફરિયાદી આ ભાડાની દુકાનને ઉંચા ભાવેથી લેવા માંગતો હતો. જેને લઇને આ બંને મોબાઈલના ધંધાર્થીઓ વચ્ચે આ ભાડાની દુકાનને લઈને છેલ્લા ત્રણ મહિનાથી બબાલ ચાલતી હતી. ત્યારે આ બંને સાળા બનેવીએ દેશી બોમ્બ બનાવવાનો પ્લાન કર્યો હતો અને દુકાનમાં બ્લાસ્ટ કર્યો હતો. હાલ આ કેસની પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.