રાજકોટ : રાજકોટમાં બે દિવસ પહેલા એક 8 વર્ષની બાળકી માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થઈ હતી. જ્યારે આ બાળકીના માતા-પિતા દ્વારા તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવી હતી. એવામાં આ બાળકીની લાશ ભક્તિનગર સ્ટેશનના યાર્ડ નજીકથી મળી આવી હતી. માથું છુંદાયેલી હાલતમાં આ બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
આરોપી ઝડપાયા : આ ઘટના બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે આ સમગ્ર ઘટનાનો ભેદ રાજકોટ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. હાલ આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
દુષ્કર્મ બાદ હત્યા : આ સમગ્ર ઘટના મામલે રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર વિધિ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 6 ના રોજ માલવિયાનગર પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી. 8 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. એવામાં આ બાળકીની લાશ ભક્તિનગર સ્ટેશનના યાર્ડની અવાવરૂ જગ્યાએથી મળી આવી હતી. ત્યારે પોલીસે બાળકીની લાશને પીએમ અર્થે ખસેડીને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
કોણ હતું આરોપી ? પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. જ્યારે આ બાળકીને વિસ્તારમાંથી એક શખ્સ પોતાની સાથે લઈ જતો હોય તેવા સીસીટીવી પોલીસને હાથ લાગ્યા હતા. આ સીસીટીવીના આધારે પોલીસે આ ગુનાના ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીઓ અને ફરિયાદીઓ એકબીજાને ઓળખતા હતા. તેમજ આ ત્રણેય આરોપીઓ બાળકીના પિતા સાથે ઉઠતા-બેસતા અને તેના ઘરે જતા હતા. જે દરમિયાન આ 8 વર્ષની બાળકી ઉપર આરોપીઓની નજર બગડી હતી.
સીસીટીવીના આધારે ભેદ ઉકેલ્યો : ત્યારબાદ આરોપીઓએ આ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે ભક્તિનગર સ્ટેશનના યાર્ડ નજીક આ 8 વર્ષની બાળકીને ઈસમો ફોસલાવીને લઈ ગયા અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચાર્ય હતું. ત્યારબાદ બાળકી તેના પિતાને કહી દેશે તેનો ડર રાખીને આરોપીઓએ બાળકીના માથા ઉપર પથ્થરના ઘા મારીને ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી હતી.
ચકચારી મામલો : પોલીસે આ ગુનામાં મિતલેશકુમાર રામનારાયણદાસ, ભરત કેશુભાઈ મીણા, અમરેશ ઉર્ફ બ્રિજેશ શંભુભાઈ કુલદીપ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના ગણતરીના જ દિવસો બાકી છે એવામાં રાજકોટમાં 8 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.