રાજકોટ : સૌરાષ્ટ્રના મોટા શહેર રાજકોટમાં એક પાંચ દિવસનું નવજાત શિશુ મળી આવવાની ઘટના સામે આવી છે. શહેરના ગોંડલ ચોકડી નજીક આવેલા કોઠારીયા વિસ્તારમાંથી આ પાંચ દિવસનું નવજાત શિશુ મળી આવ્યું હતું. જ્યારે તેને 108ની ટીમ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
બાલાશ્રમ મોકલાયું : જોકે આ નવજાત શિશુને કોઈ પણ જાતની તકલીફ ન હોવાના કારણે તેને રાજકોટ બાલાશ્રમ ખાતે હાલ મોકલવામાં આવ્યું છે. જ્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એવામાં રાજકોટમાં માત્ર પાંચ દિવસનું નવજાત શિશુ ધર છોડવાની ઘટના સામે આવ્યા બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
અવાવરૂ જગ્યાએ જોવા મળ્યું : સમગ્ર ઘટનાની અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આજે બપોરના સમયે શહેરના ગોંડલ ચોકડી નજીક આવેલા કોઠારીયા વિસ્તારમાં એક નવજાત શિશુ અવાવરૂ જગ્યાએ જોવા મળ્યું હતું. જેને લઇને પોલીસને જાણ કરવામાં એવી હતી. ત્યારે પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ બાળકની પ્રાથમિક તપાસ ઘટના સ્થળે જ કરી હતી અને સારવાર આપી હતી. જ્યારે બાળકને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં ડોક્ટરે તેનું સંપૂર્ણ ચેક અપ સાથે તપાસ કરી હતી પરંતુ બાળકને કોઈ પણ જાતની ઈજા કે બીમારી જણાઈ નહોતી અને બાળક સ્વસ્થ જણાયું હતું.
પોલીસ તપાસ શરૂ : માતા પિતા દ્વારા તરછોડાયેલા બાળકને હાલ રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા બાલાશ્રમમાં સુરક્ષિત રીતે મોકલવામાં આવ્યું છે. તેમજ આ નવજાત બાળકને કોણ અહીંયા મૂકી ગયું અને ક્યાં કારણોસર બાળકને તરછોડવામા આવ્યું તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં દિવાળી જેવો તહેવાર નજીક આવી રહ્યો છે અને એવામાં આ પાંચ દિવસના બાળકને તરછોડવાની ઘટના રાજકોટમાં સામે આવ્યા બાદ પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. હાલ બાળક સુરક્ષિત છે.