રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે રુપિયા 40 કરોડના કર બોજા સાથે આ બજેટને ચેરમેન પુષ્કર પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં નવી 15 જેટલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો સમાવેશ થાય છે. મનપા કમિશનર અમિત અરોરા દ્વારા ગત 31મી જાન્યુઆરીના રોજ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું 2586.82 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. જેને સુધારા વધારા સાથે આજે મંજૂર કરાયું છે.
પાણી વેરો ડબલ કરવામાં આવ્યો : મનપા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટમાં પાણી, કોમર્શિયલ મિલકત માટેનો વોટર સહિતના ચાર્જમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જેમાં રહેણાંક મિલકતો માટે પાણી વેરાનો હયાત દર વાર્ષિક રુપિયા 840થી વધારી માસિક રુપિયા 125 લેખે વાર્ષિક 1500 કરવાનો નિર્ણય લેવાયો છે. જયારે બિનરહેણાંક મિલકતો માટે પાણી વેરાનો દર વાર્ષિક રુપિયા 1680થી વધારી માસિક 250 લેખે વાર્ષિક રુપિયા 3000 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ પાણી વેરામાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 78 ટકાનો વધારો કરાયો છે.
સુચિત કરબોજમાં રૂ. 60.39 કરોડની રાહત આપવામાં આવી : આ અંગે મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે મનપા કમિશનર દ્વારા વર્ષ 2023 અને 24નું બજેટ 2586 કરોડ રુપિયાનું જે બજેટ સૂચવવામાં આવ્યું હતું. જેમાં સુધારા વધારા સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં 2637 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે કમિશનર દ્વારા 101 કરોડનો કરબોજ સુચવાયો હતો. જેમાં ઘટાડો કરીને રુપિયા 40 કરોડના કર બોજ રાખવામાં આવ્યા છે. આ સાથે જ અનેક નવી યોજનાઓ પણ આ બજેટમાં રાખવામાં આવી છે.
આ પણ વાંચો CM Bhupendra Patel: શા માટે મુખ્યપ્રધાને પોતાના પ્રધાનમંડળને વીજળી બચાવવા આદેશ કર્યા?
15 નવી યોજનાઓનો ઉમેરો કરાયો : બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નવી 15 યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં 150 ફૂટ રીંગરોડ પર રૈયા ટેલીફોન નજીક ઓવરબ્રીજ, આ ઉપરાંત મોટામવા સ્મશાન પાસે વાહન પાર્કિંગની વ્યવસ્થા, ઈસ્ટઝોનમાં વોર્કિંગ ટ્રેક સાથેનું પ્લે ગ્રાઉન્ડ, રાજકોટ દર્શન સિટી બસ, તેમજ 40 રોડ પર પેવીંગ બ્લોક કરવા, તમામ ઝોન કચેરી અને સિવીક સેન્ટરોમાં કાયમી હેલ્પ ડેસ્ક, સ્માર્ટ સ્કૂલ, પ્રાથમિક શાળાઓમાા રંગરોગાન, જ્યારે ઝોન દીઠ એક બોકસ ટેનીસ ક્રિકેટ, કોમ્યુનિટી હોલ, કાઉન્સીલર્સ મોનીટરીંગ એપ સહિતની યોજનાઓ જાહેર કરવામાં આવી છે.