રાજકોટઃ રવિવારે સી. આર. પાટીલ રાજકોટ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમણે રાજકોટના વિખ્યાત ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીને લોકસભામાં જવા માટે ઓફર કરી છે. સી.આર. પાટીલે આ ઓફર જાહેરમાં કરી હતી. પાટીલના આ નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. અનેક તર્ક વિતર્કો રાજકીય ગલીઓમાં ફરતા થઈ ગયા છે.
મૌલેશ ઉકાણીની જનસેવાથી પાટીલ પ્રભાવિતઃ રાજકોટના વિખ્યાત ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીએ પોતાના 60મા જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી. તેમણે બ્લડ કેમ્પનું આયોજન કરી એકત્ર થયેલ બ્લડ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને પહોંચાડ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ મૌલેશ ઉકાણીની ટહેલને માન આપી રક્તદાન કર્યુ હતું. સી.આર. પાટીલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મૌલેશ ઉકાણીની સેવાકીય પ્રવૃત્તિઓ અને માનવીય અભિગમ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. પાટીલ મૌલેશ ઉકાણીના સેવાકાર્યોથી પ્રભાવિત થયા હતા.
45થી વધુ સામાજિક સંસ્થામાં સક્રિયઃ મૌલેશ ઉકાણીના ઉદાર સ્વભાવને લીધે તેમણે અનેક વાર સૌરાષ્ટ્રના ભામાશા તરીકે પણ નવાજવામાં આવ્યા છે. તેમણે સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે સેવા પ્રવૃત્તિ કરતી અલગ અલગ સેવાભાવી સંસ્થાઓમાં યોગદાન આપ્યું છે. જે સંસ્થામાં તેઓ પ્રત્યક્ષ રીતે સેવાકીય પ્રવૃત્તિઓમાં ન જોડાઈ શકે તેમાં તેઓ પરોક્ષ રીતે પણ સેવા આપે છે. મૌલેશ ઉકાણી પાસે સંસ્થા હોય કે સામાન્ય નાગરિક જે પણ મદદની આશાએ આવે છે તેમણે ક્યારેય નિરાશ પરત ફરવું પડ્યું નથી. વર્તમાનમાં મૌલેશ ઉકાણી કડવા પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા ઉમિયાધામના ચેરમેન છે. આ ઉપરાંત તેઓ દ્વારકા જગત મંદિરના ટ્રસ્ટી પણ છે.
રાજકારણમાં જોડાવા નમ્રતાથી કર્યો ઈન્કારઃ સી. આર. પાટીલે જાહેરમાં મૌલેશભાઈને રાજકારણમાં આવવા આમંત્રણ આપ્યું હતું. પાટીલે લોકસભામાં જવા સરાજાહેર નિવેદન કર્યુ. પાટીલના આ નિવેદનનો નમ્રતાપૂર્વક મૌલેશ ઉકાણીએ અસ્વિકાર કર્યો હતો. તેમણે અત્યારે સેવાકીય પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહેવા માંગે છે તેમ જણાવ્યું હતું. તેમણે ગાંધીનગર કે દિલ્હી નહિ પરંતુ દ્વારકાના માર્ગે ચાલવાની ઈચ્છા જાહેર કરી હતી.
પ્રખ્યાત હેરઓઈલ બ્રાન્ડના સ્થાપકઃ મૌલેશ ઉકાણીના પિતા ડાયાભાઈ પટેલ રાજકોટમાં દવાખાનું ચલાવતા હતા. મૌલેશ ઉકાણી બીએસસી કેમેસ્ટ્રીનો અભ્યાસ કરીને પિતાએ સ્થાપેલા બાન લેબ્સ સાથે સંકળાયા હતા. તેમણે બાન લેબ્સને એક નવી ઊંચાઈ પર પહોંચાડી દીધી છે. બાન લેબ્સમાં અત્યારે 4500 કરતા વધુ કર્મચારીઓ રોજગારી મેળવી રહ્યા છે. મૌલેશ ઉકાણીએ બાન લેબ્સમાં સેસા હેર ઓઈલ નામની પ્રોડક્ટ બનાવી. આ હેર ઓઈલ પ્રોડક્ટ અત્યંત સફળ રહી છે. જેના દેશ વિદેશમાં અનેક ગ્રાહકો છે. 16 હજાર રુપિયામાં શરુ થયેલ બાન લેબ આજે કરે છે કરોડોનું ટર્ન ઓવર. અઢીસો કરોડથી વધુનો એડવાન્સ ટેક્સ ભરી દેતા મૌલેશ ઉકાણીનું ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.