રાજકોટ : રાજકોટના એરપોર્ટ ઉપર રવિવારની સાંજે એક રિક્ષા ચાલક વીવીઆઈપી ગેટ તોડીને રનવે સુધી પહોંચી ગયો હતો. જ્યારે આ મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો છે. બીજી તરફ ઘટનાની ગંભીતાને લઈને આજે રાજકોટ એરપોર્ટ ઉપર દિલ્હીથી સીઆઇએસએફના ઉચ્ચ અધિકારીઓની ટીમ દોડી આવી હતી અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. જ્યારે ફરજમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી પણ શક્યતાઓ છે.
ઉચ્ચ અધિકારીઓની ટીમ આવી : રાજકોટ એરપોર્ટનો વીવીઆઈપી ગેટ તોડીને રિક્ષા ચાલક રીક્ષા લઈને રનવે સુધી પહોંચી ગયો હતો. ત્યારે આ ઘટનામાં વીવીઆઈપી ગેટ સુધી રિક્ષા કેવી રીતે પહોંચી તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે દિલ્હીથી સીઆઇએસએફની ઉચ્ચ અધિકારીઓની ટીમ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. તેમજ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો Rajkot Airport Security: પીધેલાની ધમાલ, રોડના બદલે રનવે પર રીક્ષા દોડાવી દીધી
અધિકારીઓની પૂછપરછ શરુ : અને ઘટના દરમિયાન ફરજ ઉપર રહેલા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે જાણવા પણ મળી રહ્યું છે કે ઘટના દરમિયાન ફરજમાં બેદરકારી દાખવનાર સીઆઇએસએફના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે. હાલ આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ રાજકોટ એરપોર્ટ ઉપર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રિક્ષા ચાલક નશાની હાલતમાં રનવે સુધી પહોંચી ગયો : આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રવિવારના દિવસે દીપક જેઠવા નામનો રિક્ષા ચાલક રિક્ષા લઈને એરપોર્ટના એન્ટ્રી ગેટથી અચાનક અંદર આવી ગયો હતો અને ત્યારબાદ તેને વીવીઆઈપી ગેટ તોડીને રનવે ઉપર રીક્ષા દોડાવી હતી. જ્યારે આ ઘટનાની જાણ ફરજમાં રહેલા સીઆઇએસએફના જવાનોને થતા સીઆઇએસએફના જવાનોએ તાત્કાલિક રીક્ષા ચાલકની અટકાયત કરી હતી.
આ પણ વાંચો Rajkot Airport: રનવે તૈયાર, શહેરને ટૂંક સમયમાં મળશે રાજ્યનું પહેલું ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
દીપક જેઠવા જેલ હવાલે : દીપક જેઠવાની અટકાયત દરમિયાન જાણવા મળ્યું હતું કે રિક્ષા ચાલક દીપક જેઠવા નશો કરેલી હાલતમાં હતો. જ્યારે સીઆઇએસએફના જવાનોએ તાત્કાલિક તેને ગાંધીગ્રામ પોલીસને સોંપ્યો હતો. ઘટનાને પગલે ગાંધીગ્રામ પોલીસે પણ એરપોર્ટ ખાતે સઘન તપાસ કરી હતી અને આ રિક્ષા ચાલકને તાત્કાલિક જેલ હવાલે કરવાની કાર્યવાહી કરી ખસેડવામાં આવ્યો હતો.