રાજકોટ : રાજકોટ શહેર તેમજ જિલ્લા વિસ્તારની અંદર ભારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. વરસાદને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલો મોજ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના પાટિયા ખોલવામાં આવ્યા છે. પાટીયા ખોલવાના કારણે મોજ નદી પર આવેલો ગઢાળા ગામનો મુખ્ય રસ્તો એટલે કે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. જેના કારણે ગઢાળા ગામ જતા આવતા લોકો વિદ્યાર્થીઓને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવો કોઝવે મંજૂર : ઉપલેટા તાલુકાના ગઢાળા ગામનો મુખ્ય રસ્તો એટલે કે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની બાબતને લઈને સ્થાનિક લોકો તેમજ આગેવાનોએ અનેક રજૂઆતો કરી હતી. જેના કારણે સરકાર દ્વારા અહીં નવો કોઝવે મંજૂર કરવામાં આવ્યો છે. આ મંજૂર થયેલા કોઝવેનું કામ વહેલી તકે કરવામાં આવે તેવી ગઢાળા ગામના માજી સરપંચ નારણ આહિરે માંગ કરી છે. જણાવ્યું છે કે, આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે અને લોકોની મુશ્કેલી વહેલી તકે તંત્ર દૂર કરે તેવી પણ માંગ કરી છે.
લોકોને મુશ્કેલીનો સામનો : રાજકોટ જિલ્લાભરની અંદર સારુ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે, ત્યારે ઉપલેટાના જીવાદોરી સમાન ડેમો તેમજ ઉપલેટા વિસ્તારને સિંચાઈ માટે ઉપયોગી થતા ડેમોની અંદર નવા નીરની આવક થઈ છે, ત્યારે તેમની જળ સપાટી સો ટકા ભરાઈ ગયા બાદ તેમના પાટીયા ખોલવામાં આવ્યા છે. જેમાં મોજીરા પાસેના મોજ ડેમની અંદર પાણીની સપાટીમાં વધારો થયા બાદ ડેમના પાટિયા ખોલવામાં આવતા ઉપલેટા તાલુકાના ગઢાળા ગામ જવા માટેનો મુખ્ય રસ્તો એટલે કે મોજ નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થતા અહીંયાથી પસાર થતાં ગ્રામજનો, રાહદારીઓ અને ખેડૂતોને આવન જાવન માટેની તકલીફ વધી છે. જેના કારણે તંત્ર દ્વારા મંજૂર થયેલા રસ્તાનું વહેલી તકે કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.