રાજકોટ: જિલ્લા પંચાયત પર હાલમાં ભાજપનું શાસન છે. વર્તમાન પ્રમુખ સહિતના હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે જિલ્લા પંચાયતના નવા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી છે. ભાજપ પક્ષ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન માટે મેન્ડેડ આપવામાં આવ્યું હતું. નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા નવા હોદ્દેદારોના સમર્થકો મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત ખાતે ઉમટી પડ્યા હતા.
ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી: રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કુવાડવા ગામમાં પ્રવિણા રંગાણી, ઉપપ્રમુખ તરીકે ગોંડલના રાજુ ડાંગર અને કારોબારી ચેરમેન તરીકે પી.જી કિયાડાની વરણી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં કુલ 36 બેઠકો છે. જેમાં ભાજપ પાસે 24 સભ્યો છે અને કોંગ્રેસ પાસે 12 સભ્યો છે. હાલમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે.
'હું એક મહિલા તરીકે મારા વિસ્તારની મહિલાઓ માટે વધુમાં વધુ કાર્ય કરીશ. ગ્રામ્ય વિસ્તારોમાં સગર્ભા બહેનોનો પ્રશ્ન મુખ્ય રહેતો હોય છે. સગર્ભા બહેનોને વિશેષ લાભ મળે તેમજ આંગણવાડી કાર્યકર્તાઓ અને હેલ્થ વર્કર સાથે મળીને જે પણ સ્વાસ્થ્ય અંગેની કાળજી લેવાની હોય તે તમામ બાબતોનું માર્ગદર્શન આપીને તેમના સુધી અમારી વાત પહોંચાડશું. ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની પહેલી જરૂરિયાતો છે તે દિશામાં આગામી દિવસોમાં હું કામગીરી કરીશ.' - પ્રવિણાબેન રંગાણી, પ્રમુખ, રાજકોટ જિલ્લા પંચાયત
કેવી રીતે કરાઈ પસંદગી: આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે. રાજકોટ મનપામાં પાટીદાર મહિલાને મેયર પદ માટેની નિમણૂક આપવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં પણ પ્રમુખપદે પાટીદાર મહિલાની પસંદગી કરવામાં આવી છે. પ્રવિણાબેન રંગાણી કુવાડવા બેઠક પરથી ચૂંટાયા છે. આસપાસના વિસ્તારમાં પાટીદાર સમાજનું પ્રતિનધિત્વ વધુ છે. બીજી તરફ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના રાજકારણમાં ગોંડલનું પ્રતિનિધિત્વ હરહંમેશ જોવા મળ્યું હોય છે. જેને ધ્યાનમાં રાખીને ગોંડલના રાજુ ડાંગરને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે અને જેતપુરના પીજી કિયાડાને કારોબારી ચેરમેન બનાવામાં આવ્યા છે.