રાજકોટ : ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની હરાજી કરવામાં આવી હતી. જેમાં નવા કપાસના આવકમાં ભાવ પ્રતિ મણ રૂપિયા 2121 બોલાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે નવા કપાસના 2121 રૂપિયા ભાવ બોલાતા ખેડૂતોની અંદર રાજીપો જોવા મળ્યો હતો. કારણ કે છેલ્લા ઘણા સમયથી કપાસનો ભાવ દિવસોને દિવસે ગગડતો હતો, ત્યારે નવા કપાસનો ભાવ પ્રતિ મણ રૂપિયા 2121 બોલાતા ખેડૂતોમાં રાજીપો જોવા મળ્યો છે.
નવા કપાસના શ્રીગણેશ : કપાસની હરાજી અંગે ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી રાજ ઘોડાસરાએ જણાવ્યું છે કે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ચાર ગામનો નવો કપાસ આવેલો હતો. જેમાં યાર્ડની એક પેઢીમાં નવો કપાસ આવતા તેમની હરાજી પણ કરવામાં આવેલી હતી.
આ નવા કપાસમાં પ્રતિમણ ભાવ રૂપિયા 2121 બોલાયા હતાં. આ નવા કપાસના મળેલ સારા ભાવને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. ત્યારે હાલ ઉપલેટા તાલુકામાં ત્રણ ડેમો લાગુ પડે છે જેમાં ભાદર, મોજ અને વેણુ ડેમ આવેલ છે. જેમાં ખેડૂતોએ ઉપલેટા તાલુકામાં કપાસનું સારૂં એવું વાવેતર પણ કરેલું છે...રાજ ઘોડાસરા(ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી)
કપાસના સારા ઉત્પાદનની શક્યતા : ગત વર્ષ ખેડૂતોને જે રીતે કપાસનો ભાવ મળ્યો હતો ત્યારે આ વર્ષ ખેડૂતોને કપાસનો સારો ભાવ મળશે તેમજ ઉપલેટા પંથકની અંદર કપાસનું સારું એવું વાવેતર થયાં બાદ પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોને ઉતારો મળશે તેવી પણ માહિતીઓ સામે આવી છે. આગામી દિવસોમાં પણ કપાસના સારા ઉત્પાદનની સાથે ખેડૂતોને સારો ભાવ મળશે અને ખેડૂતોમાં મહેનતનું સારું પરિણામ જોવા મળશે તેવું પણ ખેડૂતો દ્વારા જણાવ્યું છે.
કપાસની મબલક આવક થશે : રાજકોટના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવા આવેલા કપાસના શ્રીગણેશ અંગે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. નવા કપાસના ભાવ 2000 કરતા પણ વધારે મળતા આગામી સમયની અંદર ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાંથી પોતાના કપાસના વધુને વધુ ભાવ તેમજ 2000 આસપાસ ભાવ મળશે તેવી આશા વ્યક્ત કરી હોવાનું પણ સામે આવી છે. કારણ કે ઉપલેટા તાલુકા વિસ્તારની અંદર આ વર્ષ ખેડૂતોએ કપાસનું વધુ વાવેતર કરેલું છે અને આ વધુ વાવેતર બાદ ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલક આવક થશે તેવું પણ ખેડૂતોને ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું છે.