રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા 4 કૌટુંબિક ભાઈઓ અસહ્ય બફારા વચ્ચે રાહત મેળવવા કંટોલિયા પાસે કાળીપાટ ડેમમાં ન્હાવા પડ્યા હતા અચાનક પૂરનું પાણી આવી જતા તણાયા હતા.
જેમાં ત્રણનો બચાવ થયો હતો, જ્યારે એક યુવાન લાપતા થતા નગરપાલિકાના તરવૈયાઓએ તેની શોધખોળ શરૂ કરી હતી. મોવિયા રહેતા અને છૂટક મજૂરી કામ કરતા નિતેશ મનસુખભાઈ તેનો નાનો ભાઈ વિજય તથા કૌટુંબિક ભાઇ ઉમેશ કનુભાઈ સોલંકી અને મેહુલ લલિતભાઈ ડાભી અસહ્ય બફારાથી રાહત મેળવવા કંટોલિયા ગામ પાસે આવેલા કાળીપાટ ડેમમાં ન્હાવા પહોંચ્યા હતા.
તે દરમિયાન ઉપરીય વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ધસમસતાં પૂરનાં પાણી આવી જતા ચારેય યુવાનો તણાયા હતા. જેમાં વિજય, ઉમેશ અને મેહુલનો બચાવ થયો હતો. જ્યારે નિતેશ પૂરના પાણીમાં લાપતા થતા ગોંડલ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરાતા તાકીદે તરવૈયાઓએ દોડી જઈ તેની શોધ શરૂ કરી હતી. ઘટનાની જાણ તાલુકા પોલીસ તેમજ તાલુકા મામલતદાર ડી. જે. ચુડાસમાં સહિતનાઓની થતા સ્થળ પર દોડી ગયા હતા.