- રાજકોટમાં 100થી વધુ કોંગી કાર્યકર્તાઓની અટકાયત
- APMC વેપારી મંડળ દ્વારા યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી
- NSUIના 100 કરતાં વધુ કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી
રાજકોટઃ ખેડૂતોના ભારત બંધ'ને લઈને રાજકોટમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જેમાં આજે વહેલી સવારથી જ રાજકોટમાં ચુસ્ત બંદોબસ્ત પોલીસ દ્વારા રાખવામાં આવ્યો હતો. જ્યારે વહેલી સવારથી જ પોલીસ દ્વારા પણ ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અર્જુન ડાંગર સહિત કોંગ્રેસ અને NSUIના 100 કરતાં વધુ કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.
મવડી ઓવરબ્રિજ પર નોંધાવ્યો વિરોધ
ભારત બંધને સફળ બનાવવા માટે રાજકોટ કોંગ્રેસ દ્વારા ઠેરઠેર લોકોને બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી હતી. ત્યારે કોંગી કાર્યકર્તાઓને કોર્પોરેટરો મવડી ઓવર બ્રિજ પર બેસી ગયા હતા અને થોડા સમય માટે રસ્તો બંધ કરી દીધો હતો. જેને લઇને પોલીસ દ્વારા કોંગી કાર્યકર્તાઓ અને કોર્પોરેટરોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે શહેરના જુબેલી બાગ ખાતેથી શહેર મહિલા પ્રમુખ મનીષા વાળામહિલા કાર્યકર્તાઓ દુકાનો બંધ કરાવવા નીકળતા તેમની પણ અટકાયત કરવામાં આવી હતી.
યાર્ડને ખુલ્લું રાખવાની જાહેરાત
ખેડૂત આંદોલનને સૌરાષ્ટ્રના યાર્ડો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું અને APMC વેપારી મંડળ દ્વારા યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ સત્તાધીશો દ્વારા યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજે યાર્ડનું ચિત્ર અલગ જ જોવા મળ્યું હતું. ખેડૂતો અને વેપારી મંડળ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી યાર્ડ ખાતે કરવામાં આવી હતી. જેને લઇને યાર્ડનું રૂપિયાનું ટર્નઓવર ખોરવાયું હતું.
બંધ દરમિયાન મોટાભાગની બજારો ખુલ્લી જોવા મળી
રાજકોટમાં બંધ દરમિયાન મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જેમાં શહેરની મુખ્ય બજાર ગુંદાવાડી, યાર્ડ, મવડી વિસ્તાર, શહેરનો સામાકાંઠાનો વિસ્તાર જે કોંગ્રેસના ગઢ માનવામાં આવે છે. તેવા વિસ્તારમાં આંશિક બંધ જોવા મળ્યું હતું. જ્યારે આ સિવાયના ધર્મેન્દ્ર રોડ બજાર, યાજ્ઞિક રોડ બજાર, મોચીબજાર, જ્યુબિલિ બાગ સહિતના વિસ્તારો શરૂ જોવા મળ્યા હતા.