રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં સહજાનંદનગરના યુવાનનું અપહરણ કરી 3 શખ્સોએ જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. યુવાન પાસે ડેરી ફાર્મના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી રેતીમાં દાટી દેવાનો પ્રયત્ન કર્યો હતો.
ગોંડલ મહાકાળીનગરમાં રહેતા અને ડેરી ફાર્મનું કામ કરતા મૂળ જસદણ તાલુકાના ઇશ્વરીયા ગામના કપિલભાઈ કરમશીભાઈ મારકણાને અરવિંદ ગોકળભાઈ બાંધવા (રહે કપુરીયા ચોક), રવી ખુરીભાઈ વકાતર (રહે ગોકુળિયાપરા) તેમજ વોરાકોટડા રોડ પર રહેતા અરવિંદ સહિતનાઓએ ડેરી ફાર્મના હિસાબના રૂપિયા બાબતે બળજબરીથી બુલેટ પર બેસાડી વોરાકોટડા સબ જેલ સામે આવેલી વાડીમાં લઈ જઈ માર માર્યો હતો.
યુવકને દોરડાથી બાંધી, ધમકાવીને તગારાથી માથે રેતી નાંખી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત ત્રણેય શખ્સો વિરુદ્ધ 360, 307, 324, 504, 114 તથા જી.પી.એફ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.