રાજકોટઃ જિલ્લાના કેશવાળા ગામે સિંહે માલધારી આધેડ પર હુમલો કર્યો હતો. હુમલાનો ભોગ બનેલા માલધારીને ગોંડલ બાદ રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવને પગલે ગોંડલ ફોરેસ્ટ વિભાગ, મામલદાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, એ.સી.એફ સહિતના વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતાં.
ગોંડલના કેશવાળા ગામે આવી ચડેલા બન્ને સિંહ નર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ચોટીલા પંથકમાંથી ગોંડલ પંથકમાં સિંહો લટાર મારવા આવ્યા હોવાની પુષ્ટી વન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમજ વન્યપ્રાણીની સલામતી માટે આજુબાજુના વિસ્તારોમાં વાડી ખેતરમાં ખેડૂતોએ વીજકરંટ ન મૂકવાની સાથે પોતાના પશુઓને સુરક્ષીત જગ્યાએ રાખવાનો પણ અનુરોધ કર્યો હતો.