રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં પત્નીએ પોતાના પતિની છરીના ઘા મારી હત્યા કરી છે. આ હત્યા ઘર કંકાસ મામલે થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પતિ-પત્ની વચ્ચે ઝઘડો: શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ભવાન નકુમ સાથે તેની પત્ની વનિતા વચ્ચે ગત તારીખ 11 સપ્ટેમ્બરના રોજ કોઈ કારણોસર માથાકૂટ સર્જાઈ હતી. જેને લઇને પત્નીએ પોતાના પતિ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં પતિને ગંભીર ઇજાઓ થતાં છેલ્લા ઘણા સમયથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જેનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હાલ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
'મારા ભાઈ પર તેની પત્નીએ કાગળિયા બાબતે તેની સાથે માથાકૂટ કરી હતી. ત્યારબાદ તેની પત્નીએ પોતાના છોકરા પર છરી રાખી હતી. જેને બચાવવા જતા મારા ભાઈને આ છરી લાગી ગઈ હતી. આ આખો બનાવ ગત તારીખ 9 ઓક્ટોબરના રોજ બન્યો જ્યારે અગાઉ પણ પતિ પત્ની વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. જ્યારે એક વખત તે અન્ય શખ્સ સાથે અગાઉ ભાગી ગઈ હતી પરંતુ બાળકોના કારણે તેને સમજાવતા તે ફરી પતિ સાથે રહેવા લાગી હતી. ત્યારબાદ આ પ્રકારની બનાવ બન્યો હતો. - ભાણજીભાઈ નકુમ, મૃતકના ભાઈ