પાટણવાવમાં પ્રથમ વખત રાજ્યકક્ષાનો ઓસમ આરોહણ-અવરોહણ કાર્યક્રમના આયોજનની તંત્ર દ્વારા બડાઈ હાંકવામાં આવી રહી હતી. જેનો આ સ્પર્ધા દરમિયાન ફિયાસ્કો થતો જોવા મળ્યો હતો. સાથે તંત્રની બેદરકારી સામે આવી હતી.
આ સ્પર્ધામાં જુનીયર સાહસવીરો ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. જેમને સ્પર્ધામાં સુવિધાના અભાવના કારણે ભારે હાલાકીના સામનો કરવો પડ્યો હતો. ત્યારે કાર્યક્રમ સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, રમેશ ધડુક અને મોહનભાઈ કુંડાળીયા સહિત જે પણ સ્થાનિક નેતાના નામ આંમત્રણ પત્રિકા પર છપાયા હતા. તેમના પર લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તો બીજી તરફ, કાર્યક્રમમાં હાજર રહેલાં સાંસદ રમેશ ધડુક પોતાનો બચાવ કરતાં જોવા મળ્યાં હતાં.
પાટણવાવમાં આવેલા ઓસમ ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસવા માટે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે માત્ર કાગળ પૂરતી સિમિત રહી છે અને શૌચાલય, કેન્ટીન જેવી સુવિધાઓ શોભાના ગાંઠીયા સમાન સાબિત થઈ છે. ત્યારે સ્થાનિકો તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. સાથે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે.
આમ, સુવિધાના અભાવના કારણે સ્પર્ધામાં લોકોમાં કોઈ ઉત્સાહ જોવા મળ્યો નહોતો. જેથી તંત્રને લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો.ત્યારે સાંસદ રમેશ ધડુક પણ ફક્ત પોતાની હાજરી પૂરીને અધવચ્ચેથી ચાલી ગયાં હતાં . જેથી સ્થાનિક તંત્રનાં અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાને સીલ્ડ પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરી કાર્યક્રમને સંપન્ન જાહેર કર્યો હતો.