- તૌકતે વાવઝોડાને કારણે રાજકોટના મસાલા માર્કેટમાં ભારે નુકસાન
- મસાલા માર્કેટના મંડપો વાવઝોડામાં તૂટ્યા
- રાજકોટમાં 35થી વધુ વૃક્ષો ધરાશાયી
રાજકોટ : તૌકતે વાવાઝોડાએ સોમવારથી રાજ્યના વિવિધ વિસ્તારમાં પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું હતું. જેને પગલે રાજકોટમાં પણ સોમવારથી ભારે પવન ફૂંકાયો હતો. જ્યારે ભારે પવન સાથે વરસાદ પણ શરૂ થયો હતો. આવા સમયે રાજકોટમાં 1 હજારથી વધુ લોકોનું અગમચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે સોમવાર રાતથી અત્યાર સુધીમાં રાજકોટમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી મસાલા માર્કેટના મંડપો પડી ભાંગ્યા છે અને માલસામાનને ભારે નુકસાન થયું છે.
આ પણ વાંચો - રાજકોટ તૌકતેની તારાજી: આજી ડેમ-2 ઓવરફ્લો, એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો
રાજકોટમાં 35થી વધુ વૃક્ષો ધરાશાયી
રાજકોટમાં સોમવાર રાતથી જ તૌકેત વાવઝોડાની અસર જોવા મળી હતી. જેમાં ભારે પવન સાથે વરસાદ પણ ખાબક્યો હતો. જેને લઈને રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં લાઈટ જતી રહી છે. હજૂ પણ રાજકોટના કેટલાક વિસ્તારોમાં લાઈટ નથી. જ્યારે ભારે પવનના કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં 35થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને રસ્તા પરથી દૂર કરવાની તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણી પાણી થયા હતા.
આ પણ વાંચો - રાજકોટ જિલ્લા પંચાયતમાં કંટ્રોલ રૂમ શરૂ, 500થી વધુ ગામ સાથે સંપર્કમાં રહેશે