રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિવાદોનું ઘર બની ચૂકી છે. જ્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પ્રોફેસર આત્મીય યુનિવર્સિટીના કૌભાંડમાં સંડોવાયેલા હોવાની વાત સામે આવી હતી. જ્યારે તેમના વિરુદ્ધ રાજકોટના તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. એવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ કૌભાંડો ઉપર કવિતા લખનાર ગુજરાતી ભવનના વડા મનોજ જોશીને યુનિવર્સિટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કવિતા લખી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સામે આવેલા અલગ અલગ કૌભાંડ મામલે એક કવિતા લખી હતી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા તેમના વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સોમવારે અચાનક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ આત્મીય યુનિવર્સિટીમાં કૌભાંડમાં સંડોવાયેલા યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર સમીર વૈદ્ય વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નહોતી જેને લઇને પણ અનેક સવાલો ઊભા થાય છે.

યુનિવર્સિટી ભજીયા પાર્ટીનો હતો કાર્યક્રમ: હાલમાં ચોમાસુ શરૂ છે એવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભજીયા પાર્ટીનો એક કાર્યક્રમ યોજાનાર હતો. જે મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણી દ્વારા યુનિવર્સિટીના એક સોશિયલ મીડિયા ગ્રુપમાં ભજીયા પાર્ટી અંગેનો મેસેજ મૂકવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના ગુજરાતી ભવનના વડા મનોજ જોશીએ કોઈપણનું નામ લીધા વિના એક કવિતા લખી હતી અને તે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જ્યારે આ કવિતાના શબ્દોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલા ભ્રષ્ટાચાર અંગેની વાત લખી હોવાનું સ્પષ્ટ જોવા મળતું હતું. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની કવિતા લખ્યા બાદ યુનિવર્સિટીના કુલપતિ ગીરીશ ભીમાણી દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

આ હતા કવિતાના શબ્દો: "રોજરોજ કૌભાંડ જ આવે, બોલ ભાઈ ભજીયા શેં ભાવે, કોઈ ફસાયા કેસ મહી તો કોઈ થયા સસ્પેન્ડ, થયા એટલા કાંડ કે જેનો આવે ના ધી એન્ડ, રાજ્યસભાના સભ્ય થયા નારાજ, કરી ફરિયાદ, ભેદભાવથી ભાગ પડાવ્યા એવો જાતિવાદ, સમીર એટલે હવા અને એ ઉડી ગયો પરદેશ, કોઈ નથી બાકી એમાંથી, સૌ પર ચાલે કેસ, ફક્ત નામનો, નથી કામનો ખૂબ કર્યું નુકસાન, કયા શુકનમાં ચાર્જ લીધો તે ચાલુ થઇ ગઈ પડતી, એની નબળી નીતિ અને પટલાઇ સૌને નડતી, બંધ કરાવી કોલેજો એ નાઘેડી કે ધારી, શિક્ષણની કરી દુર્દશા કરતો ભૂંડી કારી, સૌને નડતો, પગમાં પડતો પોતે એક પનોતી, હવે અમારી સંસ્થા ઉદ્ધારકની વાટુ જોતી, ીડિયા, જનતા, છાત્ર આપતા શાપ , શરમ ના આવે?, બધાં મોરચે થયો વિફળ ને તો પણ ભજીયા ભાવે ?