રાજકોટ: હાલ ઉનાળાની ઋતુ શરૂ છે. એવામાં રાજકોટ ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ગોલા અને લસ્સી તેમજ ઠંડાપીણા વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન અનેક ગેરિતિઓ સામે આવી છે. ખાસ કરીને ફૂડ વિભાગ દ્વારા કુબેર ફૂડ્સ નામની પેઢી ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે આ પેઢી દ્વારા રાજકોટમાં ગોલાવાલા અને લસ્સી વાલા નામની અલગ અલગ ફ્રેન્ચાઈઝી ચલાવવામાં આવે છે.
નમૂના તપાસ માટે મોકલાયા: દરોડામાં મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ ઠંડા પીણાનો જથ્થો મળી આવ્યો હતો. ફ્લેવર સીરપ પણ ઝડપાયું હતું. આ સાથે જ જે ઠંડા પીણા હતા તેના ઉપર એક્સપાયર ડેટ પણ લખેલી ન હતી. આ તમામ વસ્તુઓ કબ્જે કરીને તેનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ફૂડ વિભાગ દ્વારા ઠંડા પીણા અને ગોલામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું નમૂનો લઈને લેબોરેટરી અર્થે મોકલવામાં આવ્યો હતો.
'શહેરમાં અલગ અલગ છ જેટલી બ્રાન્ચ અને ફ્રેન્ચાઇસઝીઓ કુબેર ફૂડ્સની આવેલી છે. જેમાં અલગ અલગ ફ્લેવરની લસ્સી, મસાલા છાશ, ફ્લેવર મિલ્ક સહીતના પીણાનું ઉત્પાદન પણ કરવામાં આવે છે અને પેકિંગ કરીને વેચાણ અર્થે અલગ અલગ સ્થળોએ મોકલવામાં આવે છે. અહીંયા વિભાગ દ્વારા તપાસ કરતા ઘણી બધી ગેરરીતિઓ ઝડપાઈ હતી.' -પ્રદીપ આહુજા, પેઢીના સંચાલક
400 લીટરની સીરપની બોટલો: ફૂડ વિભાગ દ્વારા તપાસ કરતા અહીંયા ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતા ઠંડા પીણા ઉપર એક્સપાયર ડેટ લખવામાં આવી ન હતી. આ સાથે જ કુબેર ફૂડ્સની એરપોર્ટ રોડ ઉપર આવેલા ઉત્પાદન સ્થળે આઈસ ગોલા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ફ્લેવર સીરપ, સુગર ફ્રી સીરપ, માવા મલાઈનું ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતું હતું. જેમાં વિવિધ પ્રકારની કુલ 400 લીટરની સીરપની બોટલો મળી આવી હતી.