રાજકોટ: ઉપલેટામાં સગીરા પર સગા બનેવીએ વાંરવાર દુષ્કર્મ આચર્યું હોવાની એક ઘટના સામે આવી છે. સગીરા ત્રણ વખત ગર્ભવતી બની હતી અને ત્રણેય વખત તેમના બનેવીએ ગર્ભપાત કરાવ્યો હતો. જે બાબતે કેસ ઉપલેટા કોર્ટમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં જ આ કેસ કોર્ટમાં ચાલતા સગીરાના રાજકોટ રહેતા મંગેતરે પણ આ સગીરને પોતાના હવસનો શિકાર બનાવ્યાનું ખુલ્યું છે. જેમાં મંગેતરે પણ સગીરા ઉપર દુષ્કર્મ ગુજારીને ગર્ભ રાખી દીધો હતો અને બાદમાં આ સગીરાએ એક મૃત બાળકને જન્મ આપ્યો હતો. જો કે મૃત બાળકને બારોબાર દફનાવી દેવાના મામલે મંગેતર સામે પણ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
શું છે સમગ્ર મામલો?: આ કિસ્સામાં ભોગ બનનારની મોટી બહેનના લગ્ન ઉપલેટાના એક વ્યક્તિ સાથે થયા હતા. જેમાં ભોગ બનનાર સગીરા પણ પોતાની મોટી બહેન સાથે રહેતી હતી. આ દરમિયાન તે 15 વર્ષની હતી ત્યારે બનેવી ઇકબાલ અવાર-નવાર શરીર સંબંધ બાંધી પોતાની હવસ સંતોષતો હતો. આ દરમિયાન સગીરાને અગાઉ ત્રણ વખત ગર્ભ રહી જતા ત્રણેયવાર બારોબાર ગર્ભપાત કરી નાખવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. આ દરમિયાન જ વર્ષ 2019 આસપાસ સગીરાએ એક બાળકને જન્મ આપ્યો હતો. સમગ્ર મામલો બહાર આવતા વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો અને ઉપલેટા કોર્ટમાં કેસ ચાલતો હતો.
મંગેતરે પણ બનાવી હવસનો શિકાર: આ કેસ થયા પછી બાળકીના પુનર્વસન કે તેના ભણતર જેવી કોઈ બાબત પર ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ ધ્યાન આપ્યું નહીં તેવી વિગતો સામે આવી છે. આથી સગીરાની સગાઈ રાજકોટમાં રહેતા એક વ્યક્તિ સાથે કરાઇ હતી. તે દરમિયાન સગીરા રાજકોટ રહેવા આવી ગઈ હતી પરંતુ સગીરાનો દેહ તેના મંગેતરે પણ પીંખવાનું શરૂ કરી દીધું હતું. તેના મંગેતરે પોતાની હવસ સંતોષવા સગીરા ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યુ હોવાની પણ વિગત સામે આવી છે. જેમાં બાદમાં સગીરા ફરી વર્ષ 2020માં ગર્ભવતી બની હોવાનું પણ સામે આવ્યું છે.
ખોટી ઉંમર નોંધાવી હોસ્પિટલમાં કરી હતી દાખલ: આ બનાવમાં સગીરાની ઉમર 19 વર્ષની ખોટી ઉંમર લખાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સગીરાને દાખલ કરી હતી અને અહીં સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો પરંતુ બાળકનું જન્મતાની સાથે જ મૃત્યુ થયું હતું. આથી મંગેતરે અને સગીરાના પરિવારે ઉપલેટાના કબ્રસ્તાનમાં આ મૃત શિશુની દફનવિધિ કરી નાખી હતી. જેથી આ મામલો બારોબાર જ કોઈને જાણ વગર પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો પરંતુ કોર્ટમાં ઇકબાલ સામે કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન આ મામલો પણ ખુલ્યો હતો. ધોરાજી પોક્સો કોર્ટે આરોપી સામે પણ ગુનો નોંધવા હુકમ કરતા જેતપુર વિભાગના ડી.વાય.એસ.પી. રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પી.આઇ. કે.કે. જાડેજા અને તેમના સ્ટાફે સમગ્ર મામલે IPC કલમ 376, 363, 366 અને પોક્સોની કલમ 6 હેઠળ ગુનો નોંધી મંગેતરની ધરપકડ કરવા તજવીજ કરી હતી. જેમાં આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ તરીકે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિક પારેખ રોકાયેલા છે.
આ પણ વાંચો Bihar Crime: પત્ની જાણ કર્યા વગર માતાના ઘરે જતા પતિએ કાપ્યો પ્રાઈવેટ પાર્ટ
બનેવી સામે ગુનો: આ કિસ્સામાં સગીરાના બનેવી સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો કોર્ટમાં ચાલી રહ્યો છે. આથી પોતાનો બચાવ કરવા વર્ષ 2020ની હાલ નોંધાયેલ ગુનાની વિગત કોર્ટમાં આપી હતી. જેથી કોર્ટે ઇન્કવાયરી બેસાડતા મૃત બાળકને દફનાવવામાં આવ્યું હતું અને સગીરાને રાજકોટ લઈ ગયો હતો સહિતની હકિકત બહાર આવી હતી જેથી કોર્ટે ગુનો નોંધવા હુકમ કર્યો હતો.
ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ યોગ્ય ધ્યાન ન આપ્યું: આ સગીરાને તેના પરિવારજનો સાચવી શકે તેવી સ્થિતિમાં નથી કારણ કે બે-બે વખત ભોગ બની તેમ છતાં પરિવારે સામેથી પોલીસ ફરિયાદ કરી ન હતી. જેમાં પ્રથમ કિસ્સા પછી સગીરાના ભણતર, તેના ઉછેર અને દુષ્કર્મ થયો હોય તે સ્થિતિમાંથી બહાર આવી મનોસ્થિતિ મજબૂત કરે તે માટે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ પગલા લેવાના હોય છે પરંતુ આ કેસમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ યોગ્ય ધ્યાન આપ્યું ન હતું. જેથી હવે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી પૂરતું ધ્યાન આપે તે માટે કોર્ટે હુકમ કરવો પડ્યો છે.
'ઉપલેટાની સગીરા સાથે તેમના બનેવી અને બાદમાં તેમના મંગેતર દ્વારા દુષ્કર્મ ગુજારીઓ હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મની આ ઘટનામાં કોર્ટની સુચનાથી તેમના મંગેતર વિરોધ ફરિયાદ નોંધવામાં આવી છે. સગીરા સાથે થયેલ દુષ્કર્મમાં અનેક વખત ગર્ભ પણ રહી ચૂક્યો હોવાની વિગતો સામે આવી છે. દુષ્કર્મની આ ઘટનાને લઈને બનેવી સામે કેસ ચાલી રહ્યો છે.' -રોહિતસિંહ ડોડીયા, નાયબ પોલીસ અધિક્ષક, જેતપુર ડિવિઝન