રાજકોટઃ રાજકોટ શહેરના વિકાસની સાથે તેનો વિસ્તારમાં વધી રહ્યો છે. એવામાં સરકારી જમીનો પર લોકો દ્વારા ગેરકાયદેસર મકાનો સહીતના બાંધકામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં ડ્રિમ સિટી નજીક સરકારી ખરાબાની 45 હજાર ચોરસ મીટરથી વધુની જમીન પર ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણને દૂર કરી આશરે રૂપિયા 230 કરોડના મૂલ્યની જમીન ખાલી કરાવાઈ હતી.
મકાનો તોડી પડાયા: આ કામગીરી રાજકોટના અધિક નિવાસી કલેકટર કે.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર જાનકી પટેલ તેમજ ટીમ દ્વારા આજ સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલેકટર કે.બી. ઠક્કર જણાવ્યા મુજબ રૈયા હિલ પાસે રૈયા 318ની ટી.પી. સ્કીમ નં-22 માં એસ.પી. 61-1, 2માં સરકારી ખરાબા જમીન પર 45,870 ચો. મી. જમીન પરના 50થી વધુ કાચા અને પાકા મકાન તેમજ ગેરેજ, એલ્યુમિનિયમ સ્ક્રેપ સહિત કેટલાક કોમર્શિયલ બાંધકામોનું ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના બે બુલડોઝર સહિત ટ્રક-ટ્રોલર વગેરે જેવા સાધનોથી દબાણ હટાવી કાટમાળનો સ્થળ પરથી તુર્ત જ નિકાલ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો Valentine Day 2023: વેલેન્ટાઇન ડે નહિ પણ વ્હાલની ઉજવણી, વાલીની કરવામાં આવી વંદના
ઘટના સ્થળે ઉપસ્થિત: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની દબાણ હટાવ કામગીરીમાં સુરક્ષા બંદોબસ્ત અર્થે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બી.આર. ભરવાડ તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.જી. જાડેજા સહિત 20થી વધુ પોલીસ જવાનો, પી.જી.વી.સી.એલ. ની ટીમ તેમજ નાયબ મામલતદારશ્રી સહિત વહીવટી તંત્રની ટીમ સામેલ થઇ હતી.
આ પણ વાંચો Rajkot Crime: જન્મદિવસની રાત જેલમાં વીતાવી, રસ્તા પર બર્થ ડે સેલિબ્રેશન કરતા 9 સામે એક્શન
ગેરકાયદેસર બાંધકામો: રાજકોટ શહેરમાં જ્યાં જોઈએ ત્યાં આડેધડ બાંધકામો થઈ રહ્યા છે. એવામાં ગેરકાયદેસર બંધકામોને લઈને મનપા તંત્ર અને વહીવટી તંત્ર સત્તત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં નવા ભળેલા વિસ્તારમાં હાલ આ પ્રકરણ ગેરકાયદેસર બંધકામોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પડાય તેવી શક્યતાઓ છે.