- રાજકોટમાં ઓડી કાર ચાલકે દોઢ વર્ષના બાળકને અડફેટે લઇ ચાલક ફરાર
- દોઢ વર્ષના બાળકનું મોત
- સમગ્ર ઘટનામાં સીસીટીવી ફુટેજ આવ્યા સામે
રાજકોટઃ શહેરના ભક્તિનગર શાક માર્કેટ વિસ્તારમાં ચકચાર મચાવે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક દોઢ વર્ષના બાળકને કારે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. જો કે કાર ચાલક બાળકને અડફેટે લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાળક રમતા રમતા કારની અડફેટે આવી ચડે છે. જેમાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થતાં તેનું મોત થયું છે.
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
ભક્તિનગર નજીક આવેલી શાક માર્કેટમાં રેકડી રાખીને ધંધો કરતા જગદીશભાઈ સુરેલાનો પુત્ર હર્ષ અહીં રસ્તા નજીક રમતો હતો. તે દરમિયાન અચાનક ઓડી કાર અહીંથી પસાર થઈ હતી. જેને રસ્તા નજીક રમતા દોઢ વર્ષના બાળકને અડફેટે લીધો હતો. જેમાં આ બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેમાં આ બાળકનું મોત થયું હતું.
કાર ચાલક મોબાઈલમાં વાત કરતો હોવાની ચર્ચા
આ ઘટનામાં કાર ચાલકનું નામ યશ વિમનભાઈ બગડાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેની ઉંમર 19 વર્ષની છે. જો કે ઘટના દરમિયાન કાર ચાલક મોબાઈલમાં વાત કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. બાળક કારની અડફેટે આવતા સ્થાનિકો દ્વારા કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, અકસ્માત બાદ તે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી હતી.
આરોપીને આકરી સજા થાય તેવી પરિજનોની માગ
માત્ર દોઢ વર્ષના બાળકનું કારની અડફેટે આવતા મોત થયું છે. જેને લઈને બાળકના પરિજનોએ માગ કરી છે કે, આ કાર ચાલકને કરી સજા થાય. આ સમગ્ર મામલાને સીસીટીવી વીડિયો સામે આવતા રાજકોટની ભક્તિનગર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.