રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સીટીની પોલ છતી કરતી વધુ એક ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર આવેલા વાવડી ગામને 2015માં રાજકોટ કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યુ હતું. આ ગામમાં દલિત સમાજનો એક મોટો સમુદાય રહે છે. વાવડી ગામ જ્યારે કોર્પોરેશનમાં ભળ્યું ત્યારે ગ્રામજનો પણ ખુશ થયા હતા કે, શહેરીજનોને મળતા લાભ કોર્પોરેશનમાં ભળવાથી ગ્રામજનોને પણ મળશે, પરંતુ 4 વર્ષ વીતવા છતાં ગામમાં પરિસ્થિતિ વધુ વણસી છે.
ગામનાનું સ્મશાન છે ત્યાં આસપાસના ઇન્ડસ્ટ્રીઝ ઝોન દ્વારા કચરો, ગંદુ પાણી સહિતની વસ્તુઓ નાખવામાં આવી રહી છે. જેથી ગામના સ્મશાનમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. આ અંગે ઇટીવી ભારત સાથે ગ્રામજનો સાથે વાતચીત કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, અહીં આસપાસમાં આવેલા ઇન્ડસ્ટ્રીઝ ઝોન દ્વારા સ્મશાનમાં ગંદુ અને કેમિકલ યુક્ત પાણી છોડવામા આવી રહ્યું છે. સાથે જ આસપાસના વિસ્તારોનો કચરો પણ આ સ્મશાનમાં ઠલવાઇ રહ્યો છે. અમારા પૂર્વજો અહીં દફન છે અમે તેમની વાર તહેવારે પૂજા અરજ કરવા અહીં આવતા હોઈએ છીએ, પરંતુ હવે સ્મશાનમાં ગંદકી એટલા વ્યાપક પ્રમાણમાં અહીં વધી ગઈ છે જેને કારણે અમે અહીં સ્મશાનમાં આવી શકતા પણ નથી. ગામમાં જ્યારે કોઈ વ્યક્તિનું મોત થાય છે ત્યારે અસહ્ય ગંદકીમાં અને કેવી રીતે દફન વિધિ કરી શકીએ. હાલ સ્મશાન ગંદકીનો વાળો બની ગયું છે જે સ્મશાન જેવું લાગતું પણ નથી.
વાવડી ગામના દલિત સમાજે સ્મશાનની સમસ્યા અંગે વારંવાર મહાનગરપાલિકા તંત્રને રજૂઆત કરી છે અને મુખ્યપ્રધાનને આ અંગેની લેખિત રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી પરિસ્થિતિ એવી જ જોવા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા એક તરફ સ્વચ્છતા રેન્કિંગમાં પોતાનો નંબર વધારમાં વ્યસ્ત દેખાઈ રહી છે, પરંતુ ખરેખરમાં મહાનગરપાલિકામાં ભેળવવામાં આવેલ વાવડી ગામમાં પ્રાથમિક પાયાની સુવિધાઓમાં આપવામાં મનપા નિષ્ફળ દેખાઈ રહી છે.
આ સમસ્યાઓને કારણે વાવડી ગામના દલિત સમાજે એકઠાં થઈને આગામી કોર્પોરેશનની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને જો તેમની માગ નહીં સ્વીકારમાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.