- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બબાલ
- કોરોના દર્દીઓ સ્ટાફ મેમ્બર પર કર્યો હુમલો
- કોરોના દર્દીએ બાટલા સ્ટેન્ડનો સ્ટાફ પર કર્યો ઘા
રાજકોટઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દર્દી અને ડોક્ટર તેમજ હોસ્પિટલ સ્ટાફ વચ્ચે માથાકૂટ સર્જાઈ છે. વોર્ડમાં કોરોનાનો દર્દી આવેશમાં આવી ગયો હતો અને બાટલા રાખવા માટેના સ્ટેન્ડનો ડોક્ટર તેમજ નર્સ પર ઘા કર્યો હતો. જોકે ઘા કરતા સમયે નર્સ અને ડોક્ટર દૂર ખસી જતા આ બાટલાનું સ્ટેન્ડ વોર્ડમાં દાખલ અન્ય દર્દીને વાગ્યું હતું.
હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ
કોરોના વોર્ડમાં દાખલ મેઘપર ઝાલા નામના દર્દીએ આવેશમાં આવી જઈને હોસ્પિટલ સ્ટાફ પર હુમલો કર્યો હતો. જે દરમિયાન વોર્ડમાં દાખલ એક વૃધ્ધ દર્દીને લાગી જતા માથાના ભાગે ચાર જેટલા ટાંકા લેવા પડ્યા હતા. કોરોના દર્દીએ અચાનક હોસ્પિટલ તંત્રના સ્ટાફ પર હુમલો કરતા તંત્ર દ્વારા દર્દી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સિવિલમાં કોરોના દર્દી દ્વારા સ્ટાફ પર હુમલો કરવાની પ્રથમ ઘટના
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના કોવિડ સેન્ટર ઉભું કરાયા બાદ પ્રથમ વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં પોઝિટિવ દર્દી દ્વારા હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ઇટીવી ભારત દ્વારા સિવિલ સુપ્રિટેન્ડ પંકજ બુચ સાથે વાતચીતનો પ્રયાસ કર્યો હતો જો કે તેમને ફોન રિસીવ કર્યો નહોતો.