રાજકોટમાં: સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટ શહેર દિનપ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. તહેવારોની મોસમમાં રાજકોટવાસીઓને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પિત કરવા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના આંગણે તારીખ 27 જુલાઈના રોજ આવી રહ્યા છે. જેમાં રાજકોટમાં ટ્રાફિકનું યોગ્ય નિયમન કરી શકાય તે માટે વિકાસના રાજમાર્ગ સમા કાલાવડ રોડ ઉપર અંદાજીત રૂપિયા 129.53 કરોડના ખર્ચે નિર્માણ પામેલા શહેરનાં પ્રથમ મલ્ટીલેવલ સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. જેને લઈને આ બ્રિજને તિરંગા કલરની લાઈટ્સથી સજાવવામાં આવ્યો હતો જે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
![રાજકોટમાં મોદીના હસ્તે લોકાર્પણ થનાર બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-07-2023/gj-rjt-33-kkv-bridge-av-7211518_25072023234452_2507f_1690308892_341.jpg)
કેવી બ્રીજની છે આ વિશેષતા: આ ફલાયઓવર બ્રિજની વિશેષતા એ છે કે, હયાત બ્રીજ ઉપર નવો બ્રીજ બનાવાયો છે. કે.કે.વી. ચોક પર ચીમનભાઈ શુક્લ ઓવરબ્રિજ પહેલાથી જ આવેલો હતો. ભવિષ્યમાં થનારી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બી.આર.ટી.એસ.બ્લુ કોરિડોર પર કે.કે.વી ચોક પર આવેલ બ્રિજ ઉપર નિષ્ણાંતોના અભિપ્રાય મેળવી મલ્ટી લેવલ ફલાયઓવર બ્રિજ બનાવવાની ડીઝાઇન તૈયાર કરવામાં આવી હતી. જે અંતર્ગત ઇ ટેન્ડર પ્રસિદ્ધ કરી સ્પર્ધાત્મક ઓફર મંગાવવામાં આવી હતી. જેમાં રણજિત બિલ્ડકોન લી. નામની કંપની સાથે સ્થાયી સમિતિની મંજૂરી મેળવી કરાર કરવામાં આવ્યો અને તા. 21.01.2021થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.
બ્રીજની મુખ્ય વિશેષતાઓ: જમીનથી બ્રીજની ઊંચાઈ 50 ફૂટ કે.કે.વી. ચોકમાં મધ્યમાંથી 15 મીટરની બ્રિજની કુલ ઉંચાઈ છે એટલે કે, જમીનથી આ બ્રિજનો સેન્ટ્રલ સ્પાન 50 ફુટ ઉંચો છે. સેન્ટર સ્પાનમાં 45 મીટરનો સ્ટીલ ગર્ડર ઉભો કરવામાં આવ્યો છે. ફ્લાયઓવર બ્રિજની બંને બાજુ 5.50 મી.થી 8.50 મી.નો સર્વિસ રોડ, બ્રિજની નીચે 7500 ચો.મી.નું પાર્કિંગ, પેડેસ્ટ્રિયન માટે ફૂટપાથની વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વૉટર લાઈન તથા સર્વિસ યુટિલીટી ડક્ટ એ બ્રીજની મુખ્ય વિશેષતાઓ છે.
![રાજકોટમાં મોદીના હસ્તે લોકાર્પણ થનાર બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-07-2023/gj-rjt-33-kkv-bridge-av-7211518_25072023234452_2507f_1690308892_899.jpg)
સરળતાથી પરિવહનનો લાભ: મહિલા કોલેજ અંડરબ્રિજથી સીધા કાલાવડ રોડ સ્વિમિંગ પુલ સુધી જવા માગતા વાહનો ટ્રાફિકની સમસ્યા નડશે નહીં. પરિણામે સમય, શક્તિ, ઈંધણ અને નાણાંનો બચાવ થશે. નવનિર્મિત બ્રિજ પરથી ઉતર્યા બાદ મોટા મૌવા, મેટોડા તરફ જવા માંગતા વાહન ચાલકોને સીધો જડ્ડુસ રેસ્ટોરન્ટ ચોક બ્રિજ કનેકટ થઈ જશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થનાર આ પુલથી અંદાજિત બે લાખ જેટલા નાગરિકોને સરળતાથી પરિવહનનો લાભ મળશે.
![રાજકોટમાં મોદીના હસ્તે લોકાર્પણ થનાર બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-07-2023/gj-rjt-33-kkv-bridge-av-7211518_25072023234452_2507f_1690308892_615.jpg)
બ્રિજની મજબૂતાઈ: બ્રિજમાં સૌથી વચ્ચેનો ભાગ સ્ટીલ ગર્ડરનો જ્યારે બાકીનો ભાગ સિમેન્ટમાંથી બનેલા ગર્ડરનો હોવાથી બંને સ્થળે અલગ અલગ ટેક્નિકથી બ્રિજની ડિઝાઈન મુજબ 30 ટન વજન ભરેલી 6 ટ્રક સાથે કુલ 180 ટન વજન સ્ટીલ ગર્ડર અને 34 ટન વજન ભરેલી 4 ટ્રક સિમેન્ટ ગર્ડર પર 24 કલાક સુધી રાખી લોડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરી હોય તેટલું ડિફ્લેક્શન એટલે કે ઝુકાવ પણ જોવા મળ્યો હતો. સ્ટીલ ગર્ડરમાં આ મર્યાદા 22.69 એમ.એમ. હતી, જ્યારે સિમેન્ટ ગર્ડરમાં 4.25 એમ.એમ. હતી. લોડ ટેસ્ટિંગમાં બંને સ્થળે રેંજ કરતા ઓછું ડિફ્લેક્શન નોંધાયું હતું. તેના પરથી બ્રિજની મજબૂતાઈનો ક્યાસ કાઢી શકાય.
![રાજકોટમાં મોદીના હસ્તે લોકાર્પણ થનાર બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-07-2023/gj-rjt-33-kkv-bridge-av-7211518_25072023234452_2507f_1690308892_231.jpg)
સ્વિમિંગ પુલ પાસે વિરામ: બે લાખ જેટલા નાગરિકોને સરળતાથી પરિવહનનો લાભ રાજકોટના હાર્દ સમા શહેરનાં કાલાવડ રોડના કે.કે.વી. ચોક પર 4 લેન (2=લેન + 2 લેન) મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજ 1152.67મી. લંબાઇ, 15.50 મી. પહોળાઈ તથા 15 મી. ઊંચાઈએ નિર્માણ પામ્યો છે. કાલાવડ રોડ તરફ બ્રિજની લંબાઈ 690 મીટર અને કોટેચા ચોક તરફ 417 મીટર છે. કાલાવડ રોડ ઉપર પ્રિન્સેસ સ્કૂલથી ફલાયઓવર શરૂ થશે, જે કે.કે.વી. ચોકના હયાત ફલાયઓવરની ઉપરથી પસાર થશે અને રાજકોટ મહાનગરપાલિકાના સ્વામી દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલ પાસે વિરામ પામશે.