રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં દરરોજ લોકડાઉનને લોકમેળો સમજી કેટલાક વેપારીઓ અને શાકભાજી -ફળની લારી વાળાઓ દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે સીટી પોલીસે લાલ આંખ કરી ગુનો નોંધતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા, સીટી પીઆઇ કે. એન. રામાનુજ સહિત પોલીસ તંત્રને ગોંડલ શહેરમાં જાહેરનામાનો ભંગ થઈ રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો અને વોટ્સએપ પર ફોટાઓ મળતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.
જનકાર મેન્સવેર, વિકટરી સિલાઈ, પોશાક બ્યુટી, કૈલાશ સ્ટુડિયો, ગીતા ટાઈમ, બબલી ફેશન, પરેશ ડ્રેસીસ અને અતુલ નોવેલ્ટીના વેપારીઓ વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો. જ્યારે શાકભાજી અને લારીવાળાઓ સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં વેચાણ કરતા હતા અને શહેરના રાજમાર્ગો પર જ અડીંગો જમાવતા હતા, ત્યારે પોલીસે નગરપાલિકા તંત્રને સાથે રાખી રોકડ દંડ કર્યો હતો.