ધોરાજી શહેરમાં હાલ ખૂબજ પ્રમાણમાં ડેન્ગ્યુ તથા ઝાડા ઉલ્ટી, વાયરલ તાવ જેવી ગંભીર બિમારી ફાટી નીકળી છે. ધોરાજી શહેર નગરપાલિકાની હદ તથા ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા નક્કર કામગીરી ન થતાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે અને સાફ સફાઈ તથા ડીડીટી છંટકાવ પણ નિયમોનુસાર કરવામાં આવતું નથી. ધોરાજીમાં કરોડોના ખર્ચે બંધાયેલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરો તથા જરૂરી સાધન સામગ્રીનો પણ ખુબ જ અભાવ છે. આ બાબતે ધોરાજીના પ્રબુધ્ધ નાગરિકો તથા વેપારીઓ, વકીલ મંડળ તથા સામાજિક સંસ્થાઓની બીન રાજકીય મીટીંગ બોલાવીને નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારી સુવિધાઓ અને નિષ્ણાંત ડોક્ટરોની નિમણુંક કરવામાં આવે જેથી આ ડેન્ગ્યુ જેવાં રોગચાળો ડામવા માટે જરૂરી કામગીરી થાય જેથી ધોરાજીના આંદોલન કરનારના સમર્થનમાં ધોરાજીના તમામ સમાજ અગ્રણીઓ આગેવાનો સંસ્થાઓ દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી.