રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં પ્રથમ વખત ક્રાફ્ટરૂટ્સ એક્ઝિબિશનને ખુલ્લું મુકવામાં આવ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે આ એક્ઝિબિશનને આજે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં દેશના 22 રાજ્યના 25 હજારથી વધુ કલાકારોની માતૃભૂમિની ઓળખની ઝાંખી જોવા મળશે.
અનાર પટેલ દ્વારા આયોજન: રાજકોટ ખાતે યોજાયેલા ક્રાફ્ટરૂટ્સ એક્ઝિબિશનમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી હસ્તકલા સાથે સંકળાયેલા કારીગરો મોટા પ્રમાણમાં આવ્યા છે અને પોતાની હસ્તકલાને પ્રદર્શિત કરી રહ્યા છે. જ્યારે આ એક્ઝિબિશનનું આયોજન આનંદીબેનની પુત્રી અનાર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. જેઓ ક્રાફ્ટરૂટ્સ નામની સંસ્થા ચલાવે છે અને હસ્તકલાના કારોગરોને માન સન્માન સાથે તેમની ઓળખ ઉભી કરવામાં મદદ કરે છે. ત્યારે રાજકોટમાં પ્રથમ વખત આ પ્રકારના એક્ઝિબિશન યોજાયું છે.
આ પણ વાંચો: Navsari News : પાવર ગ્રીડ વીજ લાઈન ખેડૂતો માટે માથાનો દુખાવો બની, પાટિલને રજૂઆત
લુપ્ત થતી કળાને ફરી જીવંત કરાઈ: કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ક્રાફ્ટરૂટ્સ એક્ઝિબિશન આજે રાજકોટમાં સૌપ્રથમવાર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમજ ઉત્તરાખંડના કેબિનેટ પ્રધાન સતપાલજી મહારાજ પણ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને મહિલાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ એક્ઝિબિશનમાં દેશના 18 રાજ્યોના કળા સાથે સંકળાયેલ મહિલાઓ અને કલાકારો મોટી સંખ્યામાં આવ્યા છે અને પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. આ ક્રાફ્ટમાંથી મોટાભાગના ક્રાફ્ટ એટલે કે કળા લુપ્ત થઈ ગઈ હતી. જેને ફરીથી જીવંત કરવામાં આવી છે.
કોટનની અને સિલ્કની વસ્તુઓનો સમાવેશ: ક્રાફ્ટરૂટ્સ એક્ઝિબિશનમાં પ્રથમ વખત રાજકોટમાં આવેલી જમ્મુ કશ્મીરની જાહિદાએ જણાવ્યું હતું કે આ વખતે અમે ઘણી બધી નવી વસ્તુઓ બનાવી છે. જ્યારે મેં રાજકોટવાસીઓને પૂછ્યું કે અહીંયા કાશ્મીરીઓ આવે છે ત્યારે અહીંયા લોકોએ હા પાડી હતી પરંતુ તેઓ અહીંયા આ પ્રકારની વસ્તુઓ લઈને આવતા નથી. તેવું તેમને મને કહ્યું હતું. જ્યારે અમે કાશ્મીરથી આ વખતે નવી નવી વસ્તુઓ લાવ્યા છીએ. જેમાં કોટનની અને સિલ્કની વસ્તુઓનો મોટાભાગે સમાવેશ થાય છે. જેમાં વિવિધ પ્રકારની સાડીઓ, કુર્તાઓ, દુપટ્ટા છે. જ્યારે છેલ્લા 19 વર્ષથી હું આ કામ સાથે સંકળાયેલું છે. શરૂઆતમાં અમે 10 લોકો સાથે મળીને કામ કરતા હતા પરંતુ હવે અમારી સાથે 100 જેટલા લોકો જોડાયા છીએ અને આ તમામ વસ્તુઓ તૈયાર કરીએ છીએ.