ગોંડલઃ દિવાળી એટલે રોશની અને રંગોનો તહેવાર. રોશની માટે લોકો દીવા પ્રગટાવે છે જ્યારે રંગોથી દિવાળી ઉજવવા લોકો રંગોળી પૂરતા હોય છે. રાજકોટના ગોંડલમાં એક વિશિષ્ટ અને વિશાળકાય રંગોળી સૌનું ધ્યાન ખેંચી રહી છે. જેમાં કષ્ટભંજન હનુમાનજીની આબેહુબ છબી ઉપસાવવામાં આવી છે. આ રંગોળી જોનારની મોઢામાંથી વાહ...વાહ સરી પડે છે.
રંગોળી વિશેઃ ગોંડલમાં કષ્ટભંજન હનુમાનજીની આબેહુબ રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ રંગોળીનું કદ 8X12 સ્કેવર ફિટ છે. આ રંગોળી તૈયાર કરવામાં 30 કલાકથી વધુનો સમય લાગ્યો છે તેમજ 22 કિલો જેટલા જુદા જુદા 15 કલર વાપરવામાં આવ્યા છે. આ વિશાળકાય રંગોળીમાં કષ્ટભંજન હનુમાનજી ઉપરાંત 13 વાનર, સ્ત્રીરુપમાં શનિ દેવ, રામ સીતા અને 3 ફિટની આંકડાના ફુલોની માળાની છબી ઉપસાવામાં આવી છે. આ રંગોળીમાં કોઈ પ્રકારના મશિનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કે કોઈ ટેકનોલોજી વપરાઈ નથી. આ રંગોળી બે યુવતિઓએ હાથથી તૈયાર કરી છે.
અચાનક આવ્યો વિચારઃ ગોંડલમાં શ્યામવાડી વિસ્તારમાં જિમ જતી યુવતી અને તેના કોચને એક વાર વાતો કરતા કરતા અચાનક આ રંગોળીનો વિચાર આવ્યો હતો. જો કે રંગોળી કયાં કરવાથી મોટી સંખ્યામાં લોકો તેને જોઈ શકે તેનો આનંદ માણી શકે તે મોટો પ્રશ્ન હતો. ઘણા મનોમંથન બાદ જિમના ફલોર પર આ રંગોળી કરવાનું નક્ક કરવામાં આવ્યું. ત્યારબાદ શરુ થઈ 30થી 35 કલાકની મહેનત અને જહેમત. આ રંગોળી તૈયાર કરનાર યુવતીઓને તેમની મહેનતનું ફળ મળી રહ્યું છે. જિમના મેમ્બર્સ ઉપરાંત અન્ય લોકો પણ આ રંગોળી જોવા માટે આ જિમની ખાસ મુલાકાત લે છે. જેને પણ આ રંગોળી જોઈ છે તેણે આ બંને યુવતીઓની પ્રશંસા કરી છે.
હું દર વર્ષે રંગોળી બનાવું છું, પણ આ વર્ષે મેં અનોખી રંગોળી બનાવવાનું વિચાર્યુ હતું. મેં અને મારા જિમ ટ્રેનરે વાતચીત દરમિયાન નક્કી કર્યુ કે સાળંગપુરના કષ્ટભંજન હનુમાન જેવી આબેહુબ અને વિશાળકાય રંગોળી તૈયાર કરવી છે. આ રંગોળી કરવામાં 22 કિલોગ્રામના જુદા જુદા કલર્સનો ઉપયોગ કરાયો છે. આ રંગોળીને તૈયાર કરતા અમને 30 કલાકથી વધુનો સમય લાગ્યો છે. આ રંગોળી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે...પૂજા તળાવિયા(રંગોળી કરનાર, ગોંડલ)