રાજકોટઃ શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 9 જિલ્લા અને 3 મહા નગર પાલિકાની કુલ 11,188 આંગણવાડી કેન્દ્રોના કાર્યકર અને તેડાગર બહેનોમાં ગણેશ વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કૃષિ પ્રધાન રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. કૃષિ પ્રધાન ઉપરાંત કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા અને ભાનુબેન બાબરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રાજ્યમાં ખાતરની અછત અને કમોસમી વરસાદ સંદર્ભે રાજ્ય સરકારની તૈયારીઓ વિશે નિવેદન આપ્યા હતા.
ખાતરની અછત નથીઃ રાઘવજી પટેલે રવિ સીઝનમાં પૂરતુ ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારના આયોજન વિશે માહિતી આપી હતી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે રવિ સીઝનની અગાઉથી જ ખાતરનો જથ્થો મંગાવી લીધો છે. જેમાંથી ખાતરનો મોટાભાગનો જથ્થો આવી ગયો છે, તથા બાકી રહેલો જથ્થો બહુ ટૂંક સમયમાં ગુજરાત આવી રહ્યો છે. એક સાથે ઘણા ખેડૂતો ખાતર લેવા હાજર થતાં ક્યાંક અવ્યવસ્થા સર્જાઈ છે. તેમજ કોઈક સ્થળે ટ્રક સમયસર ન પહોંચી શકી હોય તો ત્યાં ખાતર ન મળ્યું હોઈ શકે.
કમોસમી વરસાદ સંદર્ભે રાજ્ય સરકારની તૈયારીઓઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચાર દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે વિસ્તારોમાં માવઠાની સંભાવના છે તે વિસ્તારોમાં ખેતીવાડી વિભાગ અને અધિકારીઓ દ્વારા ખેડૂતોને સૂચના આપી દેવામાં આવી છે. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પણ ખેડૂતોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. માર્કેટયાર્ડમાં રહેલા માલને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી લેવામાં આવી રહી છે.
રાજ્યમાં ખાતરની કોઈ અછત નથી. કેટલાક સ્થળે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે પહોંચી ગયા હતા તેથી અવ્યવસ્થા સર્જાઈ હોઈ શકે. તેમજ કેટલાક સ્થળે ખાતરની ટ્રક સમયસર ન પહોંચી હોઈ શકે છે. બાકી રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ખાતરના પૂરતા જથ્થાની મંજૂરી મેળવીને મોટાભાગનો જથ્થો ગુજરાત લાવી દીધો છે. બાકી રહેલા ખાતરનો જથ્થો પણ ઝડપથી ગુજરાત પહોંચી રહ્યો છે. માવઠા સંદર્ભે પણ રાજ્ય સરકારે જે તે વિસ્તારના ખેડૂતોને માહિતગાર કર્યા છે. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જાહેરાતો કરી દેવાઈ છે. રાજ્ય સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સજ્જ છે...રાઘવજી પટેલ(કૃષિ પ્રધાન, ગુજરાત)