રાજકોટઃ રાજકોટમાં આજે વધુ 5 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને લઈને હાલ રાજકોટમાં કોરોના દર્દીઓની સંખ્યા 18 સુધી પહોંચી જવા પામી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં બે દિવસ પહેલા એક 41 વર્ષના પુરૂષનો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. જે બાદ મનપાની આરોગ્ય વિભાગની ટીમે જંગલેશ્વર વિસ્તારમાં ચેકીંગ હાથ ઘર્યું હતું. જેમાં ગુરૂવારે બે મહિલાઓ અને શુક્રવારે વધુ 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટમાં કુલ કોરોનાના 18 કેસ જોવા મળ્યા છે. જેમાંથી 9 જંગલેશ્વર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. 5 દર્દીઓના કોરોનામાં 4 પુરૂષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાના બે કેસ જંગલેશ્વર વિસ્તારમાંથી પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાંથી આ દર્દીઓના સંપર્કમાં આવેલા મોટાભાગના લોકોને સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં કુલ 18 લોકોના કોરોના માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 5 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં હતા, જ્યારે 13 લોકોને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.
