રાજકોટ : કોરોના કાળ બાદ રાજ્યમાં નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો થયો છે. બે દિવસ પહેલા જ રાજકોટના રીબડામાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થામાં ધોરણ 10ના એક વિદ્યાર્થીને ગુરુપૂર્ણિમાના દિવસે જ હાર્ટ એટેક આવ્યો હતો. જે ઘટનામાં આ વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે રાજકોટમાં વધુ એક નાની વયના યુવાનનું મોત થયું છે. યુવકનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયાની આશંકા છે.
યુવકની ચિરનિંદ્રા : રાજકોટના મહિકા વિસ્તારમાં રહેતા 21 વર્ષનો યુવક પોતાના ઘરે રાતના 11:30 વાગ્યાની આસપાસ ઊંઘ્યો હતો. સવારે નિંદ્રામાંથી ન જાગતા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે યુવાને મૃત જાહેર કર્યો હતો. એવામાં આ યુવાનનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું હોય એવી શંકા સામે આવી રહી છે.
ઊંઘમાં થયું મોત : આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટના મહિકા ગામમાં રહેતો 21 વર્ષના મોહિત મોલીયા નામનો યુવાન પોતાના પિતાના કેટરર્સના કામમાં સાથે ગયો હતો. રાત્રિના 11:30 ની આસપાસ બંને પિતા-પુત્ર પોતાના ઘરે આવ્યા હતા. જ્યારે ઘરે આવ્યા બાદ મોહિત પોતાના રૂમમાં જઈને ઊંઘી ગયો હતો. વહેલી સવારે તેના પરિવારજનોએ જગાડ્યો પરંતુ મોહિત ઉઠ્યો નહોતો. ત્યારે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ તપાસ : પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે, મોહિતના પિતા કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમજ તેમને બે પુત્ર હતા જેમાં મોહિત મોટો હતો. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક મૃતકની બોડીને PM અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે તેની બોડીમાંથી વિશેરા લઈને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેના રિપોર્ટ આવ્યા બાદ મોહિતના મોતનુ ચોક્કસ કારણ બહાર આવશે.
મોતનું કારણ : PM કરનાર નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર મોહિતને ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જે સૌના માટે એક ચિંતાનો વિષય બન્યો છે.