પોરબંદરમાં રહેતા કપિલ ખંડેરીયા (ઉ 35) એ થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું. જે તે સમયે તેના ભાઇ દીપેશે તેના ભાઇએ જીંદગીથી કંટાળીને આ પગલું ભર્યુ છે તેવું પોલીસને જણાવ્યું હતું પરંતુ હવે દીપેશે તેના ભાઇ કપીલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો છે એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેણે બિરલા કોલોનીમાં રહેતા વછરાજ ફાઇનાન્સવાળા કેશુ ઓડેદરા, ભારતીય વિદ્યાલય પાસે રહેતા અર્જુન મકવાણા, સત્યનારાયણ મંદિર પાસે રહેતી તરૂબેન ગોસ્વામી તથા તેના સબંધી અશ્વિન ગોસ્વામી, છાંયાના રાજુ કરશન ગોઢાણીયા અને ખાખચોકના મિલન જગદીશ બથીયા વગેરે પાસેથી કપીલે 10 થી 1પ ટકાના વ્યાજે અમુક રૂપિયા લીધા હતા અને મુળ રકમ વ્યાજ સહિત ભરપાઇ કરી દીધી હોવા છતાં આરોપીઓ વ્યાજના તથા પેનલ્ટીના રૂપિયા આપવા કપીલને અવાર-નવાર ફોન તથા મેસેજ કરી દબાણ કરતા હતા.
આથી આ બધાના ત્રાસથી કપીલને ઝેરી દવા પી ને આત્મહત્યા કરવાની ફરજ પડી છે તેવો ગુનો નોંધાતા નાણા ધીરધાર અધિનિયમની કલમ ઉપરાંત યુવાનને મરવા માટે મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જયારે વ્યાજખોરોના ત્રાસના લીધે મૃતકે આપઘાત કર્યો હતો તો પાંચ દિવસ બાદ તેના ભાઈ એ કેમ ફરિયાદ નોંધાવી શું મૃતકના ભાઈ પર પણ દબાણ હતું ? અને મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ નથી મળી આ બાબતને લઈને પોલીસ પણ અવઢવમાં મુકાઈ છે.