પોરબંદર: જિલ્લામાં 15 ઓગસ્ટે બગવદર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોરબંદર ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતી હેતલ કીર્તિભાઈ સોલંકી ઉંમર 30 વર્ષ તથા તેના પતિ કિર્તીભાઈ ગોવિંદભાઈ સોલંકી જેઓ રાતડી પે સેન્ટર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આ બન્નેની સાથે ફોરેસ્ટ ખાતામાં રોજમદાર તરીકે કામ કરતા નાગાભાઈ ભુરાભાઈ આગઠ આ ત્રણેય બપોરના બારેક વાગ્યાના સમયે બરડા ડુંગરમાં ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા પેટ્રોલિંગ માટે ગયા હતા. જેઓ મોડી સાંજ સુધી પરત ન ફરતા અને તેમનો સંપર્ક તૂટી જતા તેમના વિશે પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
ઘટાની ગંભીરતાને જોતાં ગુમ થનારા વ્યક્તિઓની શોધખોળ માટે 16 ઓગસ્ટે વહેલી સવારે પોરબંદર જિલ્લાના 100થી 150 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ બરડો ડુંગર ખૂંદી વળ્યા હતા. આ ઉપરાંત ડ્રોનની પણ મદદ લેવામાં આવી હતી, છતાં ત્રણેય ન મળતા એક દિવસની મહેનત બાદ 17 ઓગસ્ટના રોજ જૂનાગઢથી સ્નિફર ડોગની મદદ લેવામાં આવી હતી. વહેલી સવારે બરડા ડુંગરમાં સમરણી વાવ નેસથી દોઢેક કીમી દૂર ઉંડી ઝરમાંથી ગુમ થનારા ત્રણેયના થોડા થોડા અંતરે મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણેય વ્યક્તિઓના શરીર પર બાહ્ય ઇજાઓ દેખાતા તાત્કાલિક FSLની ટીમ દ્વારા ઇન્કવેસ્ટ કરાયું હતું અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોરબંદર ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બરડા ડુંગરમાં દારૂની ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોય છે જેના કારણે આસપાસમાં રહેતા અને ભૂતકાળમાં દારૂના ગુન્હા નોંધાયેલા હોય તેવા લોકોની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. મૃતકોમાંથી એકનો મોબાઈલ ફોન મળી આવ્યો છે.
આ ઉપરાંત રસ્તા પરના CCTV કેમેરાની પણ તપાસ કરવામાં આવી છે. SP રવિ મોહન સૈનીના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનામાં એક ચોથી વ્યક્તિ પણ સમાવેશ છે, જે રહસ્યમય છે અને તે તપાસનો વિષય છે.