પોરબંદર: આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતિ છે. ત્યારે અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્તિ અપાવનારા મહાત્મા ગાંધી અને તેના વિચારોને આજે પણ આપણે યાદ કરીએ છીએ. જ્યારે દેશ ગુલામીની ઝંઝીરોમાં કેદ હતો ત્યારે મહાત્માએ દેશને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્તિ અપાવવા માટે લડાઈ લડી હતી. જેઓએ અંગ્રેજોની તમામ વસ્તુઓનો બહિષ્કાર કર્યો અને દેશને આઝાદી અપાવી હતી. ત્યારે તેમનું હથિયાર હતું આત્મનિર્ભરતા. તેમણે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી આત્મનિર્ભરતાનો પ્રચાર કરી દેશને આઝાદી અપાવી હતી.
ત્યારે ફરીથી આજે દેશ ચીનના આક્રમણ સહિત વિદેશી વસ્તુઓના આક્રમણથી મુશ્કેલીમાં છે. ત્યારે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરતાનો વિચાર લોકોની સમક્ષ રાખી લોકોને આત્મનિર્ભર બનવાની વાત કરી છે. ગાંધીજીને લોકો ન સમજી શક્યા. પરંતુ શું હવે આત્મનિર્ભરતાની વાત લોકો સમજશે કે કેમ! આ બાબતે લોકો શું કહે છે ત્યારે ETV ભારતે ઈતિહાસવિદ નરોત્તમ પલાણ સાથે વાત કરી હતી.
ETV ભારત સાથેની વાતચીતમાં ઇતિહાસવિદ્ નરોત્તમ પલાણે જણાવ્યું હતું કે, ગાંધીજીનો આત્મનિર્ભરતાનો વિચાર વડાપ્રધાન મોદી ફરીથી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. ગાંધીજીનો સંદેશો સાચો હતો, પરંતુ આપણે તેને ઓળખી ન શક્યા. તેનો વિચાર હતો કે, જે સ્વરાજ આપણે જોઈએ છે તેની પાયાની જરૂરિયાત આત્મનિર્ભરતા છે. તેલ, ખાતર, ગોબર, વસ્ત્ર તમામ વસ્તુઓના ઉત્પાદન અને ઉપયોગ અંગે 150 વર્ષ બાદ ગાંધીજીની વાત ફરી વડાપ્રધાન મોદી દોહરાવી રહ્યા છે. પરંતુ જો તે સમયે લોકો ગાંધીજીને સમજ્યા હોત તો દેશ ઘણો આગળ હોત અને આટલા વર્ષ વેડફાયા નહોત. આજે ખાસ કરીને દેશ ફરીથી અનેક ચીની આક્રમણની પરિસ્થિતિઓથી ભીંસમાં છે ત્યારે દેર આયે દુરસ્ત આયે જેવી સ્થિતિ સર્જાઈ છે. આથી આત્મનિર્ભરતાની વાત લોકોએ સમજવી ખાસ જરૂરી છે.
વર્ષો બાદ ગ્રામ્ય જીવન આત્મનિર્ભરતાથી છૂટી ગયું છે. ખેડૂતો વૈજ્ઞાનિક આવિષ્કારના કારણે ટેકનોલોજી તરફ વધુ આકર્ષાય છે. ખેતરમાં આજે ગાયને રાખે છે, પરંતુ વાછરડા રાખતા નથી. આધુનિક ખેતી કરે છે, જેના કારણે બળદ લુપ્ત થતા જાય છે. વડાપ્રધાન મોદી આત્મનિર્ભરતાની વાત કરે છે. આત્મનિર્ભરતા આપણે ગ્રામ્ય સ્તર સુધી લઈ જઈ નથી શક્યા. આત્મનિર્ભરતાની વાત આજે આપણે સમજી જઈએ તો ગાંધીજીનો આદર્શ ચરિતાર્થ થશે અને દેશમાં પણ બદલાવ આવશે.
ગાંધીજીના મગજમાં માત્ર દેશ જ નહીં પરંતુ સંપૂર્ણ મનુષ્યજાતિ હતી. તેના મત મુજબ આપણે આઝાદ બનીએ અને આબાદ પણ બનીએ. આબાદ એટલા માટે કે, આપણા પગ ઉપર ઊભા રહી અને આપણી જરૂરિયાત આપણે પોતે જ પેદા કરી શકીએ છીએ તો જ ગાંધીજીના આત્મનિર્ભરતાના વિચારને સાર્થક કરી શકાય. જ્યારે પોરબંદરના સ્થાનિક શોભનાબેન ઓડેદરાએ જણાવ્યું હતું કે, લોકોને આજે કોઇપણ બાબતમાં તાત્કાલિક કામ થઈ જાય અને સમય ઓછો બરબાદ થાય તેવી પદ્ધતિ વધુ ગમે છે અને જેના કારણે તે મુશ્કેલીમાં મુકાય છે. આથી ગાંધીજીની આત્મનિર્ભરતાની વાત ફરીથી લોકોએ સમજશે તો જ દેશ સમૃદ્ધ બનશે.