પોરબંદરઃ આજે પોરબંદરના રાજા બરડાધિપતિ મહારાજા રાણા સાહેબ સર નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે 120મી જન્મતિથિ છે, ત્યારે બરડાધીપતી જેઠવા રાજપૂત સંસ્થાનના વીરદેવસિંહ પી.જેઠવા રાજા વિશે કેટલીક રસપ્રદ માહિતી જણાવી હતી.
રાજા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે 120મી જન્મતિથિ
- પોરબંદર સંસ્થાનના 180માં રાણા સાહેબ તરીકે દૈદીપ્યમાન થયા
- 1920માં એમનો ભવ્ય અને રાજસી રીતભાતથી રાજ્યાભિષેક થયો હતો
- 1932માં સ્થપાયેલી ભારતની પહેલી ક્રિકેટ ટીમના કપ્તાન હતા
રાજાની જન્મતિથિ નિમિતે સત સત નમન કરતા બરડાધીપતી જેઠવા રાજપૂત સંસ્થાનના વીરદેવસિંહ પી.જેઠવા એ જણાવ્યું હતું કે, 30જૂન, 1901ના દિવસે બરડાધિપતિ પોરબંદર મહારાજા રાણા સાહેબ શ્રીભાવસિંહજીના આંગણે મહારાણી રામબાના ખોળે એક દિવ્ય અને તેજસ્વી મહાપુરુષ અવતર્યા હતા. જેઓ હનુમાનવંશી જેઠવા રાજવંશના પોરબંદર સંસ્થાનના 180માં રાણા સાહેબ તરીકે દૈદીપ્યમાન થવાના હતા.
બાળપણથી જ પ્રતિભા સંપન્ન, ભણવામાં અને ઇત્તર પ્રવૃતિઓમાં ખુબજ હોશિયાર, વ્યવહારુ કુશળ અને પહેલેથીજ પોરબંદરની પ્રજાના હૈયામાં વસેલા એવા બરડાધિપતિ મહારાજા રાણા સાહેબ શ્રી સર નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે 120મી જન્મતિથિ છે.
રાણા સાહેબશ્રી એ 1918માં રાજકુમાર કોલેજ રાજકોટ ખાતેથી પોતાનું શિક્ષણ પૂરું કર્યુ અને 1920માં એમનો ભવ્ય અને રાજસી રીતભાતથી રાજ્યાભિષેક થયો અને પોતે પોરબંદરના મહારાજા રાણા સાહેબ તરીકે બિરાજ્યા હતા. આ વર્ષે એમના લગ્ન લીંબડી નામદાર ઠાકોરસાહેબ દૌલતસિંહજી જશવંતસિંહજી ઝાલાના કુંવરિ રૂપાળીબા સાહેબ સાથે થયા હતા.
દેશભરના લોકોમાં ક્રિકેટની ઘેલછા જોવા મળે છે, ત્યારે રાણા સાહેબ વર્ષ 1932માં ભારતની પહેલી ક્રિકેટ ટીમના કપ્તાન હતા. જ્યારે ઉપ-કપ્તાન તેમના સાળા સાહેબ કુંવરસાહેબ ઘનશ્યામસિંહજી દૌલતસિંહજી ઝાલા હતા. ભારતની ક્રિકેટ ટીમનો લોગો પણ રાણા સાહેબે જ ડિઝાઇન કર્યો હતો.
આવી તો ઘણી બધી ઉપલબ્ધીઓ અને સિદ્ધિઓ રાણા સાહેબની હતી. આજેય પોરબંદરની પ્રજા રાણા સાહેબે પોતાની સંતાન સમાન પ્રજા માટે કરેલા કાર્યોને યાદ કરે છે અને પોતાના રાજવી પ્રત્યે આજેય એટલીજ લાગણી અને માન છે.