પોરબંદરઃ પોરબંદરમાં છાયા ચોકી વિસ્તારમાં એક વ્યક્તિને અવારનવાર ફોન કરી મારી નાખવાની ધમકીની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ફરિયાદ 12 વર્ષ પહેલા નોંધાવવામાં આવી હતી. જો કે, આરોપી ટ્રક ડ્રાઈવર હોવાથી પોલીસની ઝપેટમાં આવતો નહતો, પરંતુ પોરબંદર પોલીસે આખરે 12 વર્ષ બાદ ચોટીલાથી આ આરોપીને ઝડપી પાડ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, પોરબંદરના છાયા ચોકી વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર કેશુભાઈ ટુકડાએ વર્ષ 2009માં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમને કોઈ અજાણ્યો શખ્સ ફોન પર મારી નાખવાની ધમકી આપે છે. આ ઉપરાંત અપશબ્દો પણ બોલી રહ્યો છે. આ બાબતે પોલીસે તપાસ કરતા આ ફોન કરનાર આરોપી કડિયા પ્લોટમાં રહેતો અને ટ્રક ડ્રાઈવરનું કામ કરતો હોવાનું જણાયું હતું. આરોપીનું નામ વિજય ભીખુ સોલંકી છે. પોલીસે જે તે વખતે તેને ઝડપવા માટે કામગીરી હાથ કરી હતી, પરંતુ આરોપી પોતે ટ્રક ડ્રાઈવર હોવાના કારણે 12 વર્ષથી બહારના રાજ્યોમાં ભાગતો ફરતો હતો, પરંતુ 12 વર્ષ બાદ પોરબંદર પેરોલ ફર્લો સ્ક્વોડના જવાનોએ નાસતા ભાગતા આરોપીની શોધખોળ આદરી હતી અને ચોક્કસ બાતમીના આધારે આરોપી વિજય ભીખુ સોલંકી જ્યારે કર્ણાટકથી જામનગર જવા નીકળ્યો ત્યારે ચોટીલાથી જ તેને ઝડપી લીધો હતો. ચોટીલા પાસે હોટલમાં રોકાય તેવી શક્યતા હતી. આથી પોરબંદર પોલીસે ચોટીલામાંથી આ આરોપીને ઝડપી લીધો હતો. આરોપીને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયો હતો.