14 નવેમ્બર 2019ના રોજ દેશની સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ વિમાન પર પુનર્વિચારણા કરવા અંગેની વિવિધ અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. ઉપરાંત સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના નિર્ણયમાં તપાસની માગ બિન જરૂરી ગણાવી હતી.
2018માં પણ સર્વોચ્ય ન્યાયાલય દ્વારા રાફેલ સોદાની પ્રક્રિયા યોગ્ય અને પારદર્શક રીતે કરવામાં આવી છે, તેવો ચુકાદો આપવામાં આવ્યો હતો. પરંતુ, દેશની રક્ષા સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દા પર કોંગ્રેસ પક્ષ અને તેના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સંસદ તથા ચૂંટણી પ્રચારમાં જાહેર મંચ પરથી દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇને રાહુલ ગાંધી માફી માગે તેવી અપીલ સાથે ભાજપના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે પોરબંદરના સુદામા ચોકમાં ધરણા પ્રદર્શન યોજ્યું હતું.