વૈશાખી વાયરા બાદ હાલ ચૈત્રી દનૈયા બરાબરના તપી રહ્યા છે. કાળજાળ તાપ અને લુ ની વચ્ચે લોકો ઠંડકની અનુભુતી કરવા શીતળતા મેળવવા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે લોકોને ઠંડક આપવા સાથે તબિયત તરો તાજા રાખતા તરબુચ પર અચૂક નજર જાય છે. તરબુચમાં અધિક માત્રામાં પાણી હોવાથી ઉનાળામાં લોકોના આરોગ્ય માટે પણ સારા છે.
આરોગ્ય વર્ધક તરબુચ સાથે પોરબંદર જિલ્લામાં ચૂંટણીતંત્ર દ્રારા મતદાર જાગૃતિના સ્લોગન ચીપકાવી તરબુચને મતદાર જાગૃતિનુ માધ્યમ બનાવ્યા છે. લોકો પણ તરબુચ હોંશે હોંશે ખરીદવાની સાથે ચૂંટણીતંત્રની મતદાર જાગૃતિની આ કામગીરીને બીરદાવી રહ્યા છે. પોરબંદરનાં તરબુચના વેપારી જયેશ સોલંકી અને રહીમભાઇએ કહ્યુ કે, ચૂંટણીની કામગીરીમાં કોઇ રીતે ઉપયોગી થવાનો અમને આનંદ છે. અમે તો મત આપવા જરૂર જશુ પણ લોકો વધુમાં વધુ મતદાન કરે તેની અપીલ પણ કરીશું.
તરબુચના વેપારી તેમના ધંધા રોજગાર સાથે મતદાન જાગૃતિની મોટી વાત કહી જાય છે, ભાઇ ધંધો તો કાયમ કરવાનો છે પરંતુ તા.૨૩ એપ્રિલના રોજ લોકશાહીના મહાપર્વમાં મતદાન કરી ભાગીદાર પણ બનવાનુ છે. માધવપુરનાં મેળામાં તરબુચનો ધોમ વેપાર થાય છે. સૌને પ્રેમથી તરબુચ ખવડાવતા રમેશભાઇ કહે છે ભાઇ તરબુચ પણ વેચીશું અને મતદાન પણ કરીશું.
પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાના માર્ગદર્શન તળે સ્વીપના નોડલ અધિકારીશ્રી મીયાણી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમ ચૂંટણી જાહેર થયા બાદ જિલ્લાનાં વિવિધ વિસ્તારો-ધંધાના સ્થળોએ ફરી-ફરીને લોકોને મતદાર જાગૃતિનો સંદેશો પહોંચાડી રહ્યા છે. ચૂંટણીતંત્રના આ પ્રયાસને આપણે સૌએ તા.૨૩ એપ્રિલના રોજ વધુમાં વધુ મતદાન કરી સફળ બનાવવાનો છે.