પોરબંદરમાં એક દંપતીના ઘરે 14 વર્ષ પહેલાં એક બાળકનો જન્મ થયો હતો. જેનું નામ મયુર રાખવામાં આવ્યું હતું. મયુર દુર્ભાગ્યવશ બોલી કે સાંભળી શકતો નથી. પરંતુ, કુદરતે મયુરને વિશિષ્ટ કળા આપી છે. જેથી મયુર ઇસારા દ્વારા પરિવારને પોતાની વાત પહોંચાડવા લાગ્યો અને પરિવાર પણ તેને સમજવા લાગ્યું છે.
આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ બાળકોના તાલીમ કેન્દ્રમાં તાલીમ લઇ આજે 14 વર્ષનો મયુર તેમના પરિવારમાં સૌથી લાડકવાયો બની ગયો છે. કુદરતે આપેલી કળાના આધારે મયુર આજે પોતાના પરિવાર સાથે કોમ્યુનિકેશન કરવાની સાથે-સાથે મોબાઈલ નંબર પણ ડાઈલ કરી શકે છે.
ડ્રાઈવિંગનો વ્યવસાય કરનાર પિતાના ઘરે જન્મ લેનાર દિવ્યાંગ બાળક આજે તેમના દાદા-દાદીનો પણ ખ્યાલ રાખી શકે છે. સામાન્ય બાળકોને ભણવામાં કંટાળો આવતો હોય છે. જ્યારે મયુરને ક્યારેય પણ કંટાળો આવ્યો નથી અને તે જ કારણે આજે મયુર અંગ્રેજી ભાષાને પણ સમજી શકે છે.
આજે મયુર પોતે તો ખુશ રહે જ છે અને સાથે-સાથે પોતાના પરિવારને પણ ખુશ રાખે છે. નાના બાળકો ફરવાનું અને કાર્ટુન જોવાનું સ્વપ્ન ધરાવતા હોય છે. જ્યારે આ 14 વર્ષનો મયુર મોટો થઇને પરિવારને ખુબ રૂપિયા આપવાનું સ્વપ્ન ધરાવે છે.