દરવર્ષે પોરબંદરના કલાકારો યુકે સ્થિત લેસ્ટરમાં જઈ ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરે છે. દર વર્ષે પોરબંદર થી યુકેમાં લેસ્ટર ખાતે યોજાનાર નવરાત્રી મહોત્સવમાં કલાકારો જાય છે અને મધુર કંઠે અર્વાચીન પ્રાચીન ગરબા ગાઈને લોકોને મંત્ર મૂગ્ઘ કરી દે છે, આ વર્ષે પણ પોરબંદરના છ કલાકારો નવરાત્રી માં યુ કે લેસ્ટર ખાતે મહેર કાઉન્સિલ દ્વારા યોજતા પરંપરાગત રાસોત્સવ માં જઇ રહ્યા છે .
યુકે લેસ્ટરમાં યોજાનારા મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન ગુજરાતની અનોખી ઝાંખી જોવા મળે છે, જેમાં યુકેમાં વસેલા તમામ ગુજરાતી લોકો ભેગા મળી આ નવરાત્રિ મહોત્સવ ઉજવે છે. અહીં પ્રાચીન રાસ ગરબા અને મણિયારો રાસ લોકોને ખૂબ જ પસંદ છે. ગાયકોના જણાવ્યાનુસાર ત્યાંના લોકોને હિન્દી ગીત તથા સુગમ સંગીત નવરાત્રી દરમિયાન વગાડવા પસંદ નથી કરતા. આ ઉપરાંત પરંપરાગત ડ્રેસ સાથે ભારતીય સંસ્કૃતિની સભ્યતાને પણ ગુજરાતીઓ રજૂ કરે છે. જેમાં ખાસ કરીને પોરબંદર પંથકના મહેર જ્ઞાતિના પહેરવેશ જેમાં પુરુષ આંગળી, જોડણી અને પાઘડી તથા સ્ત્રીએ ઢારવો અને કાપડું વેઢલા, ઝૂમણાં સહિતના શણગાર સજ્યા હોય છે.
આ તમામની વચ્ચે ખાસ વાત તો એ છે કે, વર્ષોથી યુકેમાં રહેતા અને સાત સમંદર પાર રહેતા આ ગુજરાતીઓ ભારતીય સંસ્કૃતિને હજૂ પણ અકબંધ રાખી છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિને એક બાજુ રાખી આપણી ભારતીય પરંપરા અનુસાર મોટી સંખ્યામાં અહીં યુવાનો પણ નવરાત્રી રમવા આવે છે.
પોરબંદરથી જનારા ગાયકોમાં દમયંતીબેન બરડાઈ પરબતભાઈ રાણાવાયા તથા લાખણશીભાઈ આંત્રોલી યા તેમની સાથે કેતનભાઇ રાણીંગા કી-બોર્ડ પ્લેયર તથા જયેશભાઈ જેઠવા ઢોલ તથા પ્રવીણભાઈ જેઠવા શરણાઈના સૂર પુરાવશે. ભક્તિ, શક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રિમાં સૌ કોઈને માતાજીના ગરબા ગાઈને વિદેશી ધરતીનું વાતાવરણ પણ આધ્યાત્મિક બની જાય છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત તેની પ્રતીતિ થાય છે.