પોરબંદર : નવરાત્રીના તહેવારમાં વિવિધ પ્રદેશોમાં અલગ અલગ રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે. જેમાં ગુજરાતમાં વસતા વિવિધ પ્રદેશના જાતિના અલગ અલગ નૃત્ય તથા રાષ્ટ્ર સુપ્રસિદ્ધ છે. ત્યારે ગુજરાતના પોરબંદરમાં અગ્રણી ગણાતી જ્ઞાતિ એવા મહેર સમાજમાં વર્ષો જૂના મણીયારા રાસ જગવિખ્યાત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 'ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ' દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહેર સમાજના પુરુષો તથા સ્ત્રીઓ અને બાળકો પરંપરાગત પહેરવેશમાં રાસ રમ્યા હતા. ત્યારે મહાનુભાવોના હસ્તે ડો.સાધના ટાંક તથા પોપટ ખૂટી અને કરસન ઓડેદરા દ્વારા લિખિત 'મહેરજાતીની લોકસંસ્કૃતિ અને કલાઓ' નામના પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું.
![Porbandar Maniyara ras](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-10-2023/gj-pbr-01-special-story-maher-famous-maniyaro-1030_20102023024939_2010f_1697750379_285.jpg)
નવરાત્રી દરમિયાન ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલમાં રમાતા મહેર સમાજના રાસમાં રમતી મહિલાઓ સોનાના ઘરેણા પહેરે છે. જેનું વજન અંદાજિત બે કિલોથી વધુનું જોવા મળે છે. આ ઘરેણાઓ પરંપરાગત સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. - વિમલજી ઓડેદરા, મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ
મણીયારો રાસ શૂરવીરતાનું પ્રતિક : વિસ્તારમાં મહેરજ્ઞાતિનું પ્રભુત્વ વધુ રહ્યું છે. ત્યારે વર્ષો પહેલા ગાયો તથા સ્ત્રીઓની રક્ષા કાજે લડતોમાં જ્યારે જીત થતી ત્યારે મણીયારો રાસ રમવામાં આવતો અને ખુશી મનાવવામાં આવતી હતી. આમ આ મણીયારો રાસ શોર્ય અને શૂરવીરતાનું પ્રતિક ગણાય છે. આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ મણીયારો રાસ પ્રખ્યાત ગણાય છે. આ રમતા જોવાની અલગ જ મજા છે અને તેમને રમતા જોઈને જોનારાઓ પણ રોમાંચકતા અનુભવે છે.
![Porbandar Maniyara ras](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-10-2023/gj-pbr-01-special-story-maher-famous-maniyaro-1030_20102023024939_2010f_1697750379_541.jpg)
મહેર સમાજના લોકોને મણીયારો રાસ વારસામાં આ અમૂલ્ય ભેટ મળી છે. આ મણીયારા રાસ જ્યારે રમાય છે, ત્યારે અમને સુરાતન ચડે છે અને જુસાથી રમીએ છીએ અને થાકતા નથી. તેનું કારણ કે મહેર જ્ઞાતિના મોટા ભાગનો વ્યવસાય ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ છે. આખો દિવસ ખેતરમાં કામ કરતા હોય અને પોતાના જ ખેતરમાં ઉગેલ શુદ્ધ આહાર, દૂધ, ઘી, દહીં છાસ આરોગતા હોવાથી શરીરમાં જોમ અને જૂસો જળવાય રહે છે. બાળકો પણ આ મણીયારો રાસ રમી વારસાના જતનનો અનોખો આનંદ મેળવે છે. - નાથાભાઈ ભૂતિયા, મિણાયારો રાસ રમનાર