પોરબંદરમાં વર્ષોથી યુવાનોને મહેર રાસ અને મણિયારાની ટ્રેનિંગ આપતા મહેર રાસ મંડળ છાયાના રાણાભાઈ સિડા એ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા પોરબંદરની આસપાસ વસ્તી મહેર સમાજની વસ્તીના પૂર્વજોએ ગાય ,ધર્મ અને વર્તન માટે અનેક યુદ્ધ કર્યા હતા અને આ યુદ્ધમાં વિજય થયા બાદ વિજય આનંદનું નૃત્ય કરવામાં આવતું તે મણિયારો રાસ શૌર્યનું પ્રતિક છે. મહેર સમાજમાં વંશ પરંપરાગત રમાતો આ રાસ છે મણીયારો એક વિલંબિત તાલ છે.
વિલંબિત તાલમાં ઝડપી રાસ રમવાનું હોય છે. જેને ચલતી પણ કહે છે. આ ઉપરાંત યુવતીઓનો ઢાલ અને તલવાર રાસ પણ ફેમસ છે. આ રાસ જોઈને "ભૂજ The Pride Of India" નામની ફિલ્મ બનાવતા ડાયરેક્ટરને ખૂબ જ ગમ્યો હતો અને તેમણે તેની ફિલ્મમાં આ રાસનો સમાવેશ કર્યો હતો. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધના દ્રશ્યોમાં યુદ્ધ કરવા જતા યોદ્ધાઓમાં જોમ અને જુસ્સો ચડાવે તેવા ગીતનું શુટિંગ હૈદરાબાદ ખાતે રામોજી ફિલ્મ સીટીમાં કરવામાં આવ્યું હતું.
જેમાં પોરબંદરના 50 યુવક-યુવતીઓએ તલવાર અને બંદૂક સાથે આ રાસ રમ્યો હતો. આ ફિલ્મમાં સંજય દત્ત અને સોનાક્ષી સિંહા મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. મહેર રાસ વિશ્વના ભારત સહિત ફ્રાન્સ, રશિયા, જર્મની, જાપાન, લંડન, દુબઈ, આફ્રિકા જેવા દેશોમાં પણ પ્રસિદ્ધ થઇ ચૂક્યો છે અને હવે ફિલ્મોમાં પણ આ રાસને મહત્વની ભૂમિકા મળવાથી લોકોએ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.