- કોરોના દર્દીઓ માટે દેવદૂત બનેલા પોરબંદરના તબીબોની યુવાનોને અપીલ: માસ્ક પહેરી સરકારની ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરીએ
- હોસ્પિટલમાં દર્દીઓને જરૂરિયાત મુજબ પ્લાઝમા અને રેમડેસીવીર આપવામાં આવે છે: ડૉ. સિદ્ધાર્થ જાડેજા
- પતિ-પત્નિ બન્ને સિવિલ હોસ્પિટલમાં આપી રહ્યાં છે સારવાર
પોરબંદરઃ કોરોના સંક્રમણની બીજી લહેરથી બચવા અને સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા જિલ્લાના યુવાનોને ખાસ અપીલ કરી ડો. જાડેજાએ કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં યુવાનો પણ ખૂબ સંક્રમિત થયા છે, જેથી યુવાનોએ ખાસ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું જોઈએ.
આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં કોરોનાની સારવાર માટે કોંગ્રેસના બે પ્રતિનિધિઓએ 27.50 લાખની રકમ ફાળવી
શરદી, ઉધરસ, તાવ, ગળું દુખવું સહિતના લક્ષણો હોય તો તુરંત ડોકટર પાસેથી દવા લેવી જોઈએ
ભાવસિંહજી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષ કરતા વધારે સમયથી ડૉ. જાડેજા દંપતિ કોરોના દર્દીઓની સારવારમાં જોડાયેલા છે. વૈશ્વિક મહામારીમાં સામાજિક જવાબદારી કરતા કર્મના સિદ્ધાંતને પ્રાથમિકતા આપી દર્દીઓની સારવારમાં સતત કાર્યરત રહેતા ડૉ. જાડેજા દંપતિએ અનેક દર્દીઓને કોરોનામુક્ત કરવામાં યોગદાન આપ્યું છે. તેઓએ નાગરિકોને અપીલ કરી કે, શરદી, ઉધરસ, તાવ, ગળું દુખવું સહિતના લક્ષણો હોય તો તુરંત ડોકટર પાસેથી દવા લેવી જોઈએ.
અનેક દર્દીઓને કોરોનામુક્ત કરવામાં આ યોદ્ધાઓની ખુબ જ મહત્વની ભૂમિકા રહી છે
કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ એક જૂટ થઈને લડાઈ લડી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ મહામારી સામે આપણે સૌ લડી રહ્યા છે. ખાસ કરીને ડોક્ટર્સ, નર્સ સહિતનો આરોગ્યનો સ્ટાફ દર્દીઓની સારવારમાં જોડાયેલા છે. અનેક દર્દીઓને કોરોનામુક્ત કરવામાં આ યોદ્ધાઓની ખુબ જ મહત્વની ભૂમિકા રહી છે.
સરકારની ગાઇડ લાઇનનું યોગ્ય રીતે પાલન કરવા જિલ્લાના યુવાનોને ખાસ અપીલ કરી હતી
પોરબંદર ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં દિવસ-રાત જોયા વગર છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી જોડાયેલા ડૉ. સિદ્ધાર્થ જાડેજાએ કોરોનાની બીજી લહેરથી બચવા અને સરકારની ગાઇડ લાઇનનું યોગ્ય રીતે પાલન કરવા જિલ્લાના યુવાનોને ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ યુવાનોને પણ લાગી રહ્યું છે, યુવાનો કામ વગર ઘરની બહાર નીકળે નહિ, આપસમાં સામાજિક અંતર રાખે, માસ્ક પહેરે.
આ પણ વાંચોઃ ડીસામાં કોરોનાની સારવાર માટે 3 સ્થળોએ કુલ 200 બેડ તૈયાર કરાશે, કલેક્ટરે લીધી સ્થળ મુલાકાત
દર્દીઓ વહેલી તકે સ્વસ્થ બનીને ઘરે જાય તે જ અમારા માટે મોટી સિદ્ધિ છે
ડૉ. સિદ્ધાર્થ જાડેજાએ વધુમાં જણાવ્યું હતુ કે, સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જરૂરિયાત મુજબની તમામ સારવાર આપવામાં આવે છે. દર્દીઓને જરૂરિયાત મુજબ પ્લાઝમા, રેમડેસીવીર દવા પણ આપવામાં આવે છે. દર્દીઓ વહેલી તકે સ્વસ્થ બનીને ઘરે જાય તે જ અમારા માટે મોટી સિદ્ધિ છે. દર્દીઓને સારવાર પૂરી પાડતા ડૉ. પ્રિતિ જાડેજાએ કહ્યું હતુ કે, " શરદી, તાવ, માથું દુખવું, ઉધરસ, ગળામાં તકલીફ જણાય તો તુરંત ડોકટર પાસેથી યોગ્ય નિદાન કરાવવું જોઈએ. પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર પૂરી પાડતા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ સહિતના કોરોના યોદ્ધાઓની સેવાને નાગરિકો બિરદાવી રહ્યા છે.