- વિદેશી સીગલ પક્ષી બન્યા પોરબંદરના મહેમાન
- દર વર્ષ હજારો કિલોમીટરનું અંતર કાપી આવે છે આ પક્ષી
- શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં વિદેશમાંથી પક્ષીઓ ભારતના પ્રવાસે આવે છે
- હજારો કિલોમીટરની સફર ખેડી ગુજરાતમાં આવતા વિદેશી પક્ષીઓ સીગલ
પોરબંદરઃ વિદેશથી હજારો કિલોમીટરનું અંતર કાપી ગુજરાતમાં આવતા "સીગલ" તરીકે ઓળખાતા પક્ષીઓ યાયાવર માઇગ્રેટરી પક્ષીઓ છે. ગુજરાતીમાં તેને ધોમડા પણ કહે છે, સીગલના બે ગ્રુપ હોય છે, જેમાં નાના સીગલ અને મોટા સીગલ, જેમાં નાના સીગલના પણ ત્રણ પ્રકાર છે, બ્લેકહેડ જેનું માથું કાળુ હોય છે તથા બ્રાઉન હેડેડ જેનું માથું બદામી હોય છે તથા સ્લેન્ડર જેની ચાંચ વાંકી હોય છે. જ્યારે મોટા સીગલમાં પલાસીસ ગલ બ્લેકહેડ જેનું કદ મોટું અને માથું કાળું હોય છે, લેઝર બ્લેક ગલ, કાસ્પિયન ગલ વગેરે તેના પ્રકાર છે.
ગાંઠિયા સીગલ માટે ખૂબ જ હાનિકારક
સામાન્ય રીતે સીગલનો ખોરાક માછલી છે, તેઓ તરી શકે છે અને કિનારે રહીને માછલીનો શિકાર પણ કરે છે. પરંતુ પોરબંદરની ચોપાટી પર લોકો પુણ્યની દ્રષ્ટિએ આ સીગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે. જે આ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે, ગાંઠિયાના કારણે આ પક્ષીઓની પાચન સિસ્ટમને નુકશાન થાય છે અને આ પક્ષીઓની પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો નોંધાય છે. ઘણીવાર વધુ ગાંઠિયા ખાવાના કારણે પાચનતંત્ર નબળું પડવાથી ઉડવામાં પણ તકલીફ પડે છે. મોકર સાગર કમિટીના પ્રમુખ ધવલ વારગિયાએ સીગલ પક્ષીઓને પોતાનો કુદરતી ખોરાક ખાવા દેવામાં આવે તેવી લોકોને અપીલ કરી હતી.
વિવિધ દેશોમાંથી શિયાળાની ઋતુમાં ભારત આવે છે સીગલ પક્ષીઓ
આ સીગલ પક્ષીઓ ઉત્તર ધ્રુવના અલગ-અલગ દેશોમાંથી ભારત આવે છે, જેમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાંથી મોંગોલિયા તુર્કમેનિસ્તાન રસિયા સહિતના દેશોમાંથી સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારત આવી જાય છે અને માર્ચ એપ્રિલ સુધી ગુજરાતમાં રહે છે અને ફરી તેના વતન પરત જાય છે. યાયાવર પક્ષીઓમાં સીગલ પક્ષીઓ ગુજરાતમાં કે ભારતમાં માળો બનાવતા નથી, અહીં માત્ર શિયાળો પ્રસાર કરવા આવી છે. તેમ પક્ષીવિદોએ જણાવ્યું છે.