પોરબંદર: પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારો મુક્ત થતા પોતાના માદરે વતન પહોંચ્યા હતા. પોરબંદરના ધીરુભાઈ લોઢારી, સુકલ ચામડિયા, ભીમજીભાઈ ચામડિયા અને હિતેશભાઈ જોશીનું પોતાના પરિવાર સાથે મિલન થતા ખુશીના દ્રશ્યો સર્જાયા હતા. ધીરુભાઈ લોઢારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં કરાચીની જેલમાં તેમને રાખવામાં અવાય હતા. જેલમાં ખુબ જ દયનિય હાલતમાં કેદીઓને રાખવામાં આવે છે.
'પાકિસ્તાનની જેલમાં અઢી વર્ષ બંધક રહ્યા જેમાં સવારે નાસ્તામાં એક રોટલી અને એક કપ ચા આપવામાં આવતો. બપોરે બે રોટલી અને દાળનો વાટકો આપવામાં આવતો. આ ઉપરાંત રાત્રે પણ બે રોટલી અને દાળ આપવામાં આવતા. જો શાક હોય તો દાળ ન આપે અને દાળ હોય તો શાક ન આપે. આ ઉપરાંત માત્ર રવિવારે ચાવલ આપવામાં આવતા હતા. આથી ભોજન પૂરતી માત્રામાં આપવામાં આવતું ન હતું.' -ધીરુભાઈ, માછીમાર
મેડિકલ સુવિધાનો અભાવ: મુક્ત થયેલા માછીમારોના જણાવ્યા અનુસાર જેલમાં મેડિકલ સુવિધાઓ નામ માત્રની ઉપલબ્ધ છે. માથું દુખતું હોય તો પેટ દુખવાની અને પેટ દુખતું હોય તો માથાની દવા આપવામાં આવે છે. જળ સીમા પર ઝડપાયા ત્યારે ધીરુભાઈ પર ફાયરિંગ થયું હતું પરંતુ ગોળી લાગી ન હતી. પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા માર મારવામાં આવ્યો હતો જેના કારણે હાથ ભાંગી ગયો હતો જેનું ઓપરેશન પણ ન હતું કરાવ્યું.
સરકારી સહાય ન મળી: અઢી વર્ષ સુધી પાકિસ્તાનમાં કેદ માછીમારના પરિવારને એક પણ રૂપિયો ભારત સરકારે આપ્યો નથી તેવી વેદના ધીરુભાઈએ વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે ભારત સરકાર દ્વારા પાકિસ્તાનમાં કેદ માછીમારના પરિવારને એક દિવસના 300 લેખે એમ 9000 રૂપિયા દર મહિને આપવામાં આવે છે પરંતુ ધીરુભાઈના પરિવારને એક પણ રૂપિયો આપવામાં આવ્યો ન હત. તેમના પર કેસ છે તેમ કહી રૂપિયા નહીં મળે તેવું જણાવ્યું હતું. પરિવારનો ઘર ખર્ચ ચલાવવો પરિવારને મુશ્કેલી પડી હતી. ધીરુભાઈના પત્ની માનસિક રીતે બીમાર હોય આ ઉપરાંત તેમની પુત્રીના અભ્યાસ ખર્ચમાં પણ કોઈએ મદદ કરી ન હતી.
'પાકિસ્તાનની જેલમાં અનેકવાર નામ પૂછતા હતા. નામ પરથી ખ્યાલ આવી જાય કોણ હિંદુ છે કોણ મુસલમાન છે. જેલમાં ધર્મના આધારે ભેદભાવ પણ રાખવામાં આવતો હતો. જોકે અમે બધા જેલમાં હિન્દુ-મુસ્લિમ એકતાથી જ રહેતા.' -ધીરુભાઈ, માછીમાર
ભારત પણ પાકિસ્તાની માછીમારોને મુક્ત કરે: ઇન્ડિયા પાકિસ્તાન પબ્લિક પીસ ફોરમ સંસ્થાના રાષ્ટ્રીય સભ્ય જીવનભાઈ જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકાર દ્વારા 600 માછીમારોને મુક્ત કરાશે જેમાંથી 399 જેટલા પાછીમારો મુક્ત કરાયા છે. આગામી જુલાઈમાં પણ સો માછીમારો મુક્ત થશે ત્યારે હાઇ કમિશનને અમુક રજૂઆત કરશો કે બાકીના 234 ભારતીય જવાનોને પણ પાકિસ્તાન સરકાર મુક્ત કરે. આ ઉપરાંત ભારતની જેલમાં કેદ રહેલા 82 પાકિસ્તાનની માછીમારોને પણ મુક્ત કરી અને ઝીરો-ઝીરોની સ્થિતિ લાવે તેવી સુપ્રીમ કોર્ટના વકીલની સલાહ લઈ માછીમારોના વળતરની પણ માંગણી કરી છે.