પોરબંદર: રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે તથા પોરબંદર પંથકમાં વરસાદથી ભાદર ડેમ ઓવર ફ્લો થતા ડેમના 20 દરવાજા 10 ફુટ સુધી ખોલવામાં આવ્યા હતાં.
પોરબંદર અને ઉપરવાસમાં ભારે વરસાદથી અસરગ્રસ્તોનું સ્થળાંતર પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર અને પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા આગોતરૂ આયોજન કરી પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અંદાજે 470 જેટલા લોકોને સ્થળાંતર કરવાની સાથે 800 લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અસરગ્રસ્તોને કડીયા પ્લોટ બ્રામ્હણ, કામદાર ચોક પ્રાથમિક શાળા, નવા કુંભારવાડા પ્રાથમિક શાળા, કે. બી. જોશી સ્કૂલ તથા નવા કુંભારવાડા જ્ઞાતિની વંડીમાં સ્થળાંતર કરાયા હતા.પોરબંદર અને ઉપરવાસમાં ભારે વરસાદથી અસરગ્રસ્તોનું સ્થળાંતર ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેથી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી અને ટીમ પોરબંદરે રૂબરૂ સ્થળ પર જઇને ચિકાસા અને ગરેજ તથા મોરાણા ખાતે પૂર અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરી રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી. ગરેજમાં 337 વ્યક્તિઓનું, મોરાણા ખાતે 74 વ્યક્તિઓનુ જ્યારે 10 વ્યક્તિઓને ચિકાસા પ્રા. શાળા ખાતે સ્થળાંતરિત કરાયા હતાં.બરડાઇ બ્રામ્હણ બોર્ડીંગ ખાતે આશ્રય લઇ રહેલા ધરમસિંહ સોલંકીએ કહ્યુ કે, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી તેનુ પાણી નીચાણવાળા વિસ્તારોમાં આવશે. જેથી જિલ્લા તંત્ર તથા નગરપાલીકાની ટીમે અમારૂ સ્થળાંતર કરીને રહેવા, જમવાની વ્યવસ્થા કરી આપી.નિષ્ઠા સ્વસહાય જુથના પ્રમુખ બીનાબેન ભાદ્રેચાએ કહ્યુ કે, પૂર અસરગ્રસ્તોને જમવાનુ પુરૂ પાડવાની જવાબદારી નગરપાલિકા દ્વારા અમારા સ્વસહાય જુથને સોપવામાં આવી છે. દરરોજ અંદાજે 70 કિલો જેટલા ચોખા તથા 15 કિલોથી વધુ શાકભાજીનું જમવાનું બનાવીને લાભાર્થીઓને પીરસવામાં આવે છે.