પોરબંદરમાં 15 ઓક્ટોમ્બરે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક થઈ હતી. જેમાં અસ્માવતી ઘાટે રૂપિયા 44 કરોડના ખર્ચે નિર્મિત અસ્માવતી રીવરફ્રન્ટની સામેની બાજુ રીવરફ્રન્ટ-૨ ના નિર્માણ માટે પ્રવાસન વિભાગને જરૂરી દરખાસ્ત કરાઈ હતી.
આ નિર્ણય જિલ્લા પ્રવાસન સમિતિની જિલ્લા સેવા સદન ખાતે કલેકટર ડી.એન.મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. તેમજ રિવરફ્રન્ટના તમામ પાસાઓની ચર્ચા, સમીક્ષા કરવા સાથે પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં પ્રાથમિક તબક્કે રીવરફ્રન્ટ-૨ના વિકાસ પ્રોજેક્ટ માટે રૂપિયા 5 કરોડથી વધુના બજેટની જરૂરીયાત હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિ.કે.અડવાણી સહિત અનેક અધિકારી હાજર રહ્યાં હતાં.
આ ઉપરાંત ગત 2 ઓક્ટોબરે મુખ્યપ્રધાન દ્વારા રીવરફ્રન્ટ-૨ના નિર્માણ માટે જાહેરાત કરવામાં આવી હતી. તે સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવા સાથે દરખાસ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ રાણાવાવ, કુતીયાણા અને પોરબંદર તાલુકાના પ્રવાસન સ્થળો પરની સુવિધા તેમજ વિશેષ જરૂરીયાત અને ઉપલબ્ધ સવલતોની ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની કાર્યવાહીનું સંચાલન અધિક કલેકટર રાજેશ તન્નાએ કર્યુ હતું.
આ બેઠકમાં છાયા નગરપાલિકા પ્રમુખ ગીતાબેન રામદત્તી, કાર્યપાલક ઈજનેર માર્ગ-મકાન, પાણી પુરવઠા, ચીફ ઓફિસર, તોરણ હોટલ મેનેજર, જિલ્લા માહિતી અધિકારી અર્જુન પરમાર, મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી તેમજ પ્રવાસન વિભાગના પ્રતિનીધીઓ ઉપસ્થિત રહ્યા હતાં.