પોરબંદરઃ જિલ્લમાં આવેલા રાણાવવાના ગંડિયાવાળા નેસમાં રહેતા બે પક્ષો વચ્ચે આંતરિક મતભેદ થયો હતો. જેમાં આ બંને પક્ષો એકબીજા પ્રત્યે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યાનુસાર, રાણાવાવના ગંડિયાવાળા નેસમાં રહેતા હીરીબેન કોડીયાતર (ઉવ ૩૯)એ તેના પતી કાનાભાઈએ પરમ દિવસે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ નીલેશભાઈ મોરીના મોટા ભાઈ ગોગનભાઈ રામભાઈ મોરીના બાઇકમાં તોડફોડ કરી ધમકી આપી હતી. તેની પૂર્વગ્રહ રાખી ગઈકાલે રાત્રે સાડા બારેક વાગ્યે આરોપી રમેશ મોરી, હરપાલ મોરી, કિશોર મોરી, પાલા મોરી, ચના મોરી, રૂડા મોરી, ભરત ચના મોરી, ભાવેશ ચના મોરી તથા રૂડાભાઈના બીજા બે પુત્રો તથા અન્ય પાંચેક અજાણ્યા માણસો એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી કુહાડી લાકડી જેવા હથિયારો લઈ તેના ઘરે આવ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો બોલીને ફળિયામાં પડેલા બુલેટ બાઈકમાં તોડફોડ કરી હતી. તેમજ સ્કોર્પિયો કારમાં આગ ચાંપી સળગાવી દીધી હતી.
સામા પક્ષે પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નીલેશભાઈ મોરી(ઉવ ૪૫) એ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેના મોટાભાઈ ગોગનભાઈ મોરીના પડોશમાં રહેતા માંડા ચનાભાઈ મોરીને ગંડિયાવાળા નેસમાં રહેતા કાનો ઉર્ફે કયડી નાથા કોડિયાતર નામના શખ્શ સાથે અગાઉ માથાકૂટ થઇ હતી. જેથી તેમના મોટાભાઈ સમાજના આગેવાન તરીકે સમજાવતા હતા. તે બાબત કાનો સહીતના શખ્સોને પસંદ ન હતી. એટલે 6 થી 7 અજાણ્યા લોકો ગેરકાયદેસર મંડળી રચી ,કુહાડી,લાકડી,ધારિયા ,ધોકા જેવા હથિયારો ધારણ કરી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેની વાડીમાં ગુનાહિત પ્રવેશ કરી વાડીમાં આવેલા બંગલામાં તોડફોડ કરી આગ ચાંપી હતી અને નવ લાખ રૂપિયાનું નુકસાન કર્યું હતું . પોલીસે બન્ને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.