પોરબંદરઃ માધવપુર–પાતા લેન્ડીંગ પોઈન્ટ પર રેતી ચોરી કરી રહેલા ખનીજચોરો ઉપર પોલીસ ત્રાટકી હતી. જેમાં ટ્રેકટરના ડ્રાઈવર સહિત 7 શખ્સોની ધરપકડ કરીને 4 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તથા નેશનલ ડિઝાસ્ટર એકટ હેઠળ પણ ગુનો નોંધયો હતો.
પોરબંદરથી માધવપુર સુધીની 60 કિલોમીટરની દરિયાઈ પટ્ટી પર મોટી માત્રામાં રેતીચોરી થતી હોવાની અગાઉ પણ અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ત્યારે માધવપુરના PSI. એસ.ડી. રાણા અને તેમની ટીમે બાતમીના આધારે માધવપુરની ચોપાટી નજીક પાતા પાસે લેન્ડીંગ પોઈન્ટ ઉપર દરોડા પાડ્યા હતા.
જેમાં ચીંગરીયા પ્રાથમિક શાળા પાસે રહેતો રામ ગાંગા દાસા (ઉમર વર્ષ 29)એ ટ્રેકટરમાં 4 ટન જેટલી રેતી દરિયાકાંઠેથી ચોરી કરીને ભરી હતી. આથી 4 લાખનું ટ્રેકટર અને 2 હજારની 4 ટન રેતી સહિત મુદ્દામાલ કબ્જે કરીને તપાસ હાથ ધરી હતી.
પોલીસે દરોડો પાડ્યો ત્યારે ટ્રેકટરમાં રેતી ભરી રહેલા 6 જેટલા મજૂરો પણ પકડાયા હતા. તેઓની સામે ખનીજ ચોરી ઉપરાંત જાહેરનામાના ભંગનો ગુનો પણ નોંધ્યો હતો.